‘બહેનો ઔર ભાઈઓ, ઇસ બાર બિનાકા ગીતમાલા મેં એક નઈઈઈઈ સૂરીલી આવાઝ સે આપ કો રૂબરૂ કરવાતા હું. યે આવાઝ હૈ પંકજ ઉધાસ કી.’ જરા કલ્પના કરો કે અમીન સાયાનીએ રેડિયો સીલોન પર આવી જાહેરાત કરી હશે ત્યારે પંકજ ઉધાસની સાથે ચરખડી, જેતપુર, રાજકોટ અને ભાવનગર સહિત ગુજરાતના લોકોનું હૈયું કેટલું ઉમંગથી ઊછળ્યું હશે ! અમીન સાયાની – પંકજ ઉધાસે ગુજરાતીઓ વિશેની ટીવી સિરિયલવાળાઓની એ માન્યતા પણ ખોટી પાડી કે ગુજરાતીઓની ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ ખરાબ હોય છે. પરંતુ તમે કલ્પના કરી તેમ આ જાહેરાત ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત માટે નહોતી. આ ગીત તો હતું બી.આર. ઈશારાની ‘કામના’ (૧૯૭૨) ફિલ્મ માટે. ગીત હતું- તુમ કભી સામને આ જાઓ તો પૂછું તુમ સે, કિસ તરહ દર્દે મોહબ્બત મેં જિયા જાતા હૈ.
પંકજ ઉધાસમાં ફિલ્મ ગાયક અને પછી ગઝલ ગાયક થવાની કામના જાગી કેવી રીતે ? તેના ઉત્તર માટે તેમના પરિવારની પૃષ્ઠભૂમિ તપાસવી પડે. પિતા કેશુભાઈ, માતા જિતુબેન, મોટા ભાઈઓ મનહર અને નિર્મલ બધા સંગીત સાથે સંબંધ ધરાવે. કેશુભાઈ દિલરુબા વગાડી જાણે, માતા અને મોટા ભાઈઓ ગાયક. આમ, ૧૭ મે ૧૯૫૧ના દિને જન્મેલા પંકજ ઉધાસને નાનપણથી જ સંગીતમય વાતાવરણ મળ્યું હતું.
પરંતુ પંકજને તો ડાક્ટર થવું હતું. આથી તેમણે મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં વિજ્ઞાનમાં સ્નાતક કર્યું. (સમાચારોમાં ભાવનગરની પાલિટેક્નિક કાલેજમાં ભણ્યાની વાત આવે છે તે બનતા સુધી, મનહર ઉધાસની વાત છે, પંકજ ઉધાસની નહીં.) ડાક્ટર ન થયા હોત તો પંકજ ઉધાસને ક્રિકેટર થવું હતું ! જે રીતની તેમની શારીરિક સમૃદ્ધિ હતી તે જોતાં આ વાત અત્યારે સાચી ન લાગે પરંતુ તેઓ શાળાની ટીમમાંથી રમતા અને સ્પિનર હતા. સ્પિનર તરીકેની વાત તેમની પછીથી બનેલી ગઝલ ગાયકની પ્રકૃતિને મેળ ખાતી લાગે.
ગઝલ ગાયક તરીકે શાંત, સૌમ્ય અને સદા સ્મિતવાળા જણાતા પંકજ ઉધાસ નાનપણમાં થોડા તોફાની હતા તે કોણ માનશે ? પરંતુ આ રહસ્યસ્ફોટ તેમણે જ કર્યો હતો. નાનપણમાં એટલા તોફાની હતા કે ફટાકડા ફોડતી વખતે તેના પર ડબ્બો રાખે. ફટાકડો ફૂટે ને ડબ્બો આકાશમાં જાય તે જોવાની તેમને મજા પડતી. એક-બે વાર તો આ આનંદ મળ્યો પણ ત્રીજી વાર ડબ્બો તેમના ચહેરા પર આવ્યો, જે કાયમી નિશાની છોડી ગયો.
ગઝલના ક્ષેત્રે કાયમી નિશાની છોડવા પહેલાં પંકજ ઉધાસના જીવનમાં સંઘર્ષ લખાયેલો હતો. ભાઈ મનહર ઉધાસ જાણીતા ગાયક હોવા છતાં ! સંગીતનો શોખ હતો એટલે ભાઈ મનહર ઉધાસની સાથે ફિલ્મ સંગીતના રેકો‹ડગમાં જતા. તેમાં પણ ગાયા વગર રહી ન શકે એટલે મહિલા સંગીતકાર ઉષા ખન્નાના કાને તેમનો અવાજ ચડી ગયો. અને તેમણે પોતાની નવી ફિલ્મ ‘કામના’ જે નિર્દેશક બી.આર. ઈશારાની હતી અને જેમાં બધા નવા જ કલાકારો હતા, તેના માટે પંકજ ઉધાસને યાદ કર્યા.
આ રીતે ઉષા ખન્નાના સંગીતમાં ‘કામના’ ફિલ્મનું ગીત મળ્યું. ગીત ઠીક-ઠીક ચાલ્યું, પણ ફિલ્મ નહીં. કિશોર, રફી, મૂકેશ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, હેમંતકુમાર આવા બધા ગાયકો હોય ત્યાં પંકજ ઉધાસનો વારો ક્યાંથી આવે ? પંકજ ઉધાસને થયું કે આપણે ક્યાંયના ન રહ્યા. એ સમયમાં સંગીત એટલે ફિલ્મ સંગીત અને શાસ્ત્રીય સંગીત બે જ વધુ ચાલતું. પણ નિરાશ થવાના બદલે પંકજ ઉધાસે સમયનો સદુપયોગ કર્યો. કારણકે તેઓ જાણતા હતા કે
સુર્ખ રુ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ રંગ લાતી હૈ હીના પથ્થર સે પિસ જાને કે બાદ મોટા ભાઈ મનહર ઉધાસના મિત્ર હતા – કવિ કૈલાસ પંડિત. બંને એક જ કંપનીમાં કામ કરતા. વિરામના સમયમાં કૈલાસ પંડિત તેમને ગઝલો સંભળાવતા. આ રીતે મનહર ઉધાસમાં ગઝલ પ્રેમ જાગ્યો હતો. આ માટે ઉર્દૂ શીખવી જરૂરી હતી (કારણકે ગઝલો ઉર્દૂમાં લખાતી). મનહરભાઈને ઉર્દૂ શીખવવા એક મૌલવી આવતા. તે સમયે પંકજ એક ખૂણામાં બેસી તેને સાંભળી એકલવ્યની જેમ શીખવાનો પ્રયાસ કરે. ત્રણેક મહિના પછી તેમને થયું કે હવે પદ્ધતિસર ગુરુ પાસેથી શીખવું જોઈએ. શીખી.
છતાં નિરાશા ઘેરી વળી. પંકજભાઈ બિસ્તરા-પોટલાં બાંધી ઉપડ્‌યા કેનેડા. ત્યાં કંઈક કમાઈ લેશું એમ વિચાર્યું. ૧૯૭૬ની એ વાત. જોકે ત્યાંય તેમની ગાયિકીની પ્રતિભા છૂપી ન રહી અને ત્યાં ટારન્ટોમાં એક મિત્રના ઘરે રહેતા હતા ત્યાં તેમને સાંભળી તેમને કાર્યક્રમો આપવા લાગ્યા. આ રીતે પંકજ ઉધાસનું ડાલરની કમાણીથી કામ તો ચાલી જાત પણ અહીં તેમના ભાવિ શ્રોતાઓનું કામ કેવી રીતે ચાલી જાત ? આજે લોકો ગુજરાતથી કેનેડા જવા ધક્કા મારે છે ત્યારે એ સમયે તેમના મિત્રોએ તેમને ધક્કો માર્યો કે આટલું સારું ગાય છે તો અહીં કેનેડામાં શું કરે છે ? જો, પાછો ભારત અને ત્યાં કામ કર.
હવે તેમને પોતાની ગઝલોથી નામ કમાવાનું હતું. અને તેમાંય ચાવીરૂપ બન્યા બે ગુજરાતીઓ. એક તો તેમના મોટા ભાઈ મનહર. બીજા ગઝલકાર શેખાદમ આબુવાલા. એક વાર મનહરભાઈએ કૈલાસ પંડિતની ઓળખાણથી જાણીતા ગુજરાતી ગઝલકાર શૈખ આદમ આબુવાલાને બોલાવ્યા. શૈખ આદમ આબુવાલા પણ પંકજ ઉધાસની જેમ નિરાશ હતા કારણકે ઘણા લોકો તેમની ગઝલ લઈ જાય અને વચન આપે પણ પૂરું ન કરે. પંકજ ઉધાસે એક અઠવાડિયામાં જ તેમની ગઝલો રેકાર્ડ કરી. મનહર ઉધાસના કહેવા પ્રમાણે, “તે પછી શૈખાદમ ક્યાંય ન ગયા. તેમને અમારી સાથે એટલો લગાવ થઈ ગયો કે તેમણે અમને જ ગઝલો આપી.”
પંકજ ઉધાસનું પહેલું ગઝલ આલ્બમ ‘આહટ’ આવ્યું. ૧૯૮૦માં ‘આહટ’ પછી ૧૯૮૧માં ‘મુકરર’, ૧૯૮૨માં ‘તરન્નુમ’, ૧૯૮૩માં ‘મહેફિલ’, ૧૯૮૫માં ‘નાયાબ’ અને ૧૯૮૬માં ‘આફ્રીન’ એમ દર વર્ષે એક આલ્બમ આવવાં લાગ્યાં.
૧૯૮૬માં રાજેન્દ્રકુમાર ‘નામ’ બનાવી રહ્યા હતા. ફિલ્મના લેખક સલીમ ખાને રાજેન્દ્રકુમારને સૂચવ્યું કે આ ફિલ્મમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’ નઝ્મ પંકજ ઉધાસ પાસે ગવડાવી તેમના પર જ ફિલ્માવીએ તો કેમ ? રાજેન્દ્રકુમારને વિચાર ગમ્યો. તેમણે પંકજ ઉધાસને ફાન કર્યો કે તમારે મારી ફિલ્મમાં કામ કરવાનું છે.
પંકજ ઉધાસને લાગ્યું કે અભિનય કરવાનો છે. તેમને થયું કે અભિનય આપણું કામ નહીં ! નાટ માય કપ આૅફ ટી ! તેમણે ફાનનો ઉત્તર જ ન આપ્યો. મનહરભાઈના કહેવાથી પછી પંકજે રાજેન્દ્રકુમારને ફાન કરી કહ્યું, “મારે અભિનય નથી કરવો.” જ્યુબિલીકુમાર કહે, “ઍક્ટિંગ કરવાનું કોણ કહે છે ? તારે તો તારું જ ગીત પડદા પર પણ ગાવાનું છે. તું જે સભામાં કરે છે તે જ કરવાનું છે.”
તે સમયે સારા કલાકારોને કેવું બહલાવતા હતા જેથી તેમની પાસેથી શ્રેષ્ઠ કળા કાઢી શકાય તે જોવા જેવું છે. આ ગીતના રેકો‹ડગ વખતે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ પૈકી લક્ષ્મીજીને કંઈક વિચાર આવ્યો અને પંકજને પૂછ્યું, “તમે સ્ટેજ પર કેવી રીતે ગાવ ?” પંકજ કહે, “ગાદલાં બિછાવી હાર્માનિયમ સાથે.” લક્ષ્મીજીએ સ્ટુડિયોમાં ત્રણ-ચાર ટેબલ મંગાવી તેના પર ગાદલા બિછાવી સ્ટેજ જેવું તૈયાર કર્યું અને પંકજ ઉધાસને હાર્માનિયમ આપી, ત્યાં માઇકો ગોઠાવડાવી કહ્યું, “હવે ગીત ગાવ.” એલ.પી.નું સંગીત હોય એટલે વાદકોનું વૃંદ પણ મોટું હોય. તામઝામ ભવ્ય હોય. ૭૦-૮૦ વાદકોની વચ્ચે પંકજ ઉધાસે એ સાત મિનિટ લાંબું-૪૧ લાઇન લાંબું ગીત એક જ ટેકમાં આૅકે કર્યું ! ગીત ગાયા પછી પંકજ ઉધાસ એ રૂમમાં ગયા જ્યાં સામાન્ય રીતે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો બેસતા હોય છે. તો ત્યાં રાજેન્દ્રકુમાર, મહેશ ભટ્ટ, સલીમ ખાન, મનહર અને નિર્મલ ઉધાસ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. લક્ષ્મીકાંતનાં પત્ની (ગુજરાતી) જયા દેસાઈ (અભિનેત્રી બિન્દુનાં બહેન થાય) પણ સામાન્ય રીતે રેકો‹ડગમાં નહોતાં જતાં. પણ તે ગીતના રેર્કાડિંગમાં આવ્યાં હતાં. પંકજભાઈએ જોયું તો જયાબહેનની આંખમાં આંસું હતાં.
તે પછી રાજેન્દ્રકુમારે તેમના મિત્ર રાજ કપૂરને આ ગીત સંભળાવવા રાત્રિ ભોજન પર બોલાવ્યા. ગીત સંભળાવ્યું તો રાજસાહેબ પણ પોતાની આંખોને ભીની થતા રોકી ન શક્યા. તેમના સંગીત પારખુ કાને તેમની પાસે આ શબ્દો બોલાવડાવ્યા- લખી રાખો, આ ગીત સુપર હિટ છે.
ફિલ્મમાં સંજય દત્ત દુબઈમાં જઈ ગુંડા પરેશ રાવલની સાથે પોતે પણ ગુંડો બની જાય છે. ત્યાં એક ભારતીયોની સભામાં તે અમૃતાસિંહ સાથે જાય છે અને પંકજ ઉધાસ આ ગીત ગાય છે જેમાં એક માતાપિતાની ભાવુક વાત છે. ગીત સાંભળી વિદેશમાં વસતો ભારતીય હોય કે પોતાના ગૃહનગરથી દૂર રહેતો વ્યક્તિ, દરેકની આંખ છલકાયા વગર નહીં રહી હોય.
એમાં એક ભાઈ તો આ ગીત સાંભળી સિલિકાન વેલીમાં ધીકતી કમાણીવાળી નોકરી છોડી જયપુર આવી ગયા અને તેમણે વેપાર શરૂ કર્યો. તેમાંય જોકે સફળ જ ગયા. તેમણે પુસ્તક લખી પંકજ ઉધાસને અર્પણ કર્યું !
‘નામ’ પછી પંકજ ઉધાસની ગાડી ગઝલ અને ફિલ્મ ગાયક એમ બે પાટા પર ચાલી નીકળી. પરંતુ મોટા ભાઈ મનહર ઉધાસ જેમ જેકી શ્રોફનો કે વિવેક મુશ્રનનો અવાજ બન્યા અને સુભાષ ઘઈની ફિલ્મોમાં તેમની પાસે ગવડાવવામાં આવતું તેવું પંકજ ઉધાસ સાથે ન થયું. તેમને ઘણી ફિલ્મોમાં ગીતો મળ્યાં, ‘નામ’ની જેમ ‘સાજન’માં પડદા પર ગીત ગાવા મળ્યું પણ કોઈ કલાકારનો અવાજ ન બની શક્યા.
લક્ષ્મીકાંત-પ્યારેલાલ, બપ્પી લહેરી, અનુ મલિક, નદીમ-શ્રવણ વગેરેના સંગીતમાં તેમણે ગીતો ગાયાં. પરંતુ મોટા ભાગે એક ફિલ્મમાં તેમનું એક ગીત જ રહેતું. ફિલ્મનાં બધાં ગીતો તેમની પાસે ગવડાવાતાં તેવું ન થયું. એક બીજી વાત એ પણ રહી કે રાહત ફતેહ અલી ખાનનાં ગીતોમાં બે શબ્દોને જોડવા જેમ ‘હાયે’ મોટા ભાગે જોડવામાં આવતું તેવો ટ્રેન્ડ પંકજ ઉધાસનાં ગીતોમાં પણ જોવાં મળતો. ‘માહિયા તેરી કસમ હાયે જીના નહીં જીના’, ‘જિયે તો જિયે કૈસે હાયે બિન આપ કે’
જ્યારે પાપ આલ્બમોનો જમાનો આવ્યો જેમાં વીડિયોમાં સુંદર પ્રેમ કથા પણ કહેવાતી, તેવું એક મ્યૂઝિક વીડિયો આલબમ, અલબત્ત, ગઝલનું, પંકજ ઉધાસનું પણ હતું. ‘ઔર આહિસ્તા કીજિએ બાતેં’ ગીતમાં સમીરા રેડ્ડીએ કામ કર્યું હતું.
તેમણે પાંચસો ગઝલ આપી. ‘બહાર આને તક’, ‘થાનેદાર’, ‘દયાવાન’, ‘ઘાયલ’, ‘સાજન’
‘મોહરા’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘સંગીત’, ‘લુટેરે’ અને ‘યે દિલ્લગી’ જેવી ફિલ્મોમાં ગીતો ગાયાં.
તેમણે પારસી યુવતી ફરીદા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. તેમણે પ્રેમ પ્રસ્તાવ ક્યારે કર્યો હતો ? એ સમયે તેઓ મુંબઈના બાન્દ્રા જેવા પાશ વિસ્તારમાં રહેતા, પણ ઘરે ફાન નહોતો. તેથી નીચે જઈ ઈરાની રેસ્ટારન્ટ પાસે પબ્લિક બૂથમાંથી રાત્રે ૧૧ વાગે ફરીદાને ફાન કર્યો. ફરીદાએ પ્રસ્તાવ સ્વીકારી લીધો પણ કહ્યું, માતાપિતા માને તો. ફરીદાના પિતા પૂર્વ પોલીસ અધિકારી. પહેલાં પંકજભાઈને ડર લાગ્યો. ડરતાં-ડરતાં તેઓ તેમને મળવા ગયા. પણ ફરીદાના પિતા આ બાબતમાં સોજ્જા હતા. તેમણે કહ્યું, તમે સુખી રહેવાના હો તો મને વાંધો નથી.
તેઓ કેન્સર અને થેલેસેમીયાના દર્દીઓ માટે ‘ખઝાના’ નામનો કાર્યક્રમ એક કંપની સાથે કરતા. તેમના પ્રશંસકો અને મિત્રોમાં ભાજપ નેતા શાહનવાઝ હુસૈન, શાસ્ત્રીય ગાયક પંડિત જશરાજ, ભજન સમ્રાટ અનુપ જલોટા જેવા મોટા લોકો હતા.
આટલા મોટા ગજાના ગઝલ ગાયક પંકજ ઉધાસ પોતાના મૂળ, કુળ અને કુળદેવીને ભૂલ્યા નહોતા. તેઓ ચરખડીમાં માતાજીના દર્શન કરી પછી જ પોતાના ગઝલ આલબમનું વિમોચન કરતા હતા.
તેમને આત્મકથા લખવી હતી જેનું નામ તેમણે વિચાર્યું હતું – સાઉન્ડ આૅફ સાઇલન્સ ! હવે એ અવાજ જ શાંત થઈ ગયો. છેલ્લે તેમણે ‘કપિલ શર્મા શા’માં આવી પોતાના કિસ્સાઓ કહી દર્શકોને હસાવ્યા હતા. પંકજ ઉધાસ ૨૬ ફેબ્રુઆરીએ તેમના ચાહકોને ઉદાસ કરીને ચાલ્યા ગયા છે.
jaywant.pandya@gmail.com