ટીમ ઈન્ડિયાનાં નવા ટી ૨૦ કેપ્ટન રોહિત શર્માને ઈડન ગાર્ડન્સનું મેદાન ઘણુ પસંદ છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચમાં, રોહિત શર્માએ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં શાનદાર ઈનિંગ રમી અને ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટનો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ ૩૧ બોલમાં પાંચ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી ૫૬ રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગનાં દમ પર ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા.
આ અડધી સદી સાથે રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીનો વર્લ્‌ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્મા ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. રોહિત શર્માની આ ૨૬મી ટી ૨૦ ઈન્ટરનેશનલ ફિફ્ટી હતી અને આ સિવાય તેણે ચાર સદી પણ ફટકારી છે. આ રીતે, ફિફ્ટી પ્લસ સ્કોરનાં મામલામાં રોહિત શર્માની કુલ સંખ્યા ૩૦ થઈ ગઈ છે. રોહિત શર્માએ ૨૫ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. રોહિત શર્મા ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી બીજો સ્થાને છે. ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોરનાં મામલે ત્રીજો સ્થાને છે. બાબર આઝમે ૨૫ વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ડેવિડ વોર્નર ચોથા સ્થાન પર છે. વોર્નરે ૨૨ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલલે આ યાદીમાં ટોપ-૫ માં જગ્યા બનાવી છે. ગુપ્ટિલલે ૨૧ વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ભારતીય ક્રિકેટરોમાં રોહિત શર્મા એમએસ ધોનીની બરાબરી કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ ૫૦ સ્કોર બનાવવાનાં મામલે સચિન તેંડુલકર (૨૬૪) ટોચ પર છે. રાહુલ દ્રવિડ (૧૯૪), વિરાટ કોહલી (૧૮૮), સૌરવ ગાંગુલી (૧૪૫) પછીનાં ત્રણ સ્થાન પર છે. રોહિત શર્મા અને એમએસ ધોની સંયુક્ત રીતે પાંચમાં સ્થાને છે. બન્નેએ ૧૨૪ વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. આ
મેચમાં રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫૦મી સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર છે. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલલ (૧૬૧) ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્‌સમેન છે. વેસ્ટ ઈંડિઝનો ઓપનર ‘યુનિવર્સ બોર્સ ક્રિસ ગેલ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા મારવાના મામલે ત્રીજો સ્થાને છે. ગેલે ૧૨૪ સિક્સર ફટકારી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો મર્યાદિત ઓવરનો કેપ્ટન ઈયોન મોર્ગન ૧૧૯ છક્કા સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિન્ચે ૧૧૩ છક્કા સાથે ટોપ-૫ની યાદી પૂરી કરી છે. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ‌૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. રોહિત શર્માએ ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ૩૦૮ રન બનાવ્યા છે. તેણે આ મામલામાં ઈયોન મોર્ગન (૨૮૭), વિરાટ કોહલી (૨૧૮) અને એરોન ફિન્ચ (૨૦૨)ને પાછળ છોડી દીધા છે.