ગુજરાત હાઈકોર્ટે કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જા કોઈ કર્મચારીનું નોકરીએ જતા સમયે અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ચાલુ ફરજ દરમિયાન થયેલું મૃત્યુ જ ગણવામાં આવશે. આ ચુકાદાને કારણે હવે મૃતકના વારસદારો ‘કર્મચારી વળતર અધિનિયમ’ હેઠળ વળતર મેળવવા માટે હકદાર બનશે.
તાજેતરમાં શ્રમિકો અને કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટે એક દિશાસૂચક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન ‘નોશનલ એકસ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જ્યારે નોકરી માટે ઘરેથી નીકળે અને નોકરી પૂરી કરીને ઘરે પહોંચે ત્યાં સુધીનો સમયગાળો તેના રોજગારનો જ એક ભાગ ગણાય છે. તેથી, આ સમય દરમિયાન થતી કોઈપણ દુર્ઘટના માટે એમ્પ્લોયર અને વીમા કંપની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આ મામલો વર્ષ ૨૦૦૨નો છે. સુરતની સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલિવરી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજયકુમાર વાંકાલાનું ૩ મે, ૨૦૦૨ના રોજ નોકરી પૂરી કરીને ઘરે જતી વખતે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ૨૦૦૬માં કમિશનરે મૃતકના પરિવારને અંદાજે રૂ. ૨.૮૮ લાખ વળતર અને ૫૦% પેનલ્ટી સાથેની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. વાહનમાલિક અને વીમા કંપનીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમની દલીલ હતી કે અકસ્માત ઓફિસની બહાર અને કામના કલાકો પછી થયો હોવાથી તે વળતરને પાત્ર નથી.
ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીની દલીલોને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ, કર્મચારીની સેવાઓ માત્ર ઓફિસની ચાર દીવાલો સુધી મર્યાદિત નથી. ગુજરાત હાઈકોર્ટ જણાવ્યું હતું કે નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય. અદાલતે વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો રાજ્યના લાખો કામદારો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે. ભવિષ્યમાં આવા કેસોમાં વીમા કંપનીઓ ટેકનિકલ કારણો આપીને વળતર રોકી શકશે નહીં.