ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો બાઇક લઇને પસાર થતાં હોય ત્યારે હંમેશા કૂતરા, બિલાડી, રોઝ કે અન્ય પશુ આડે ઉતરવાનો ખતરો તોળાતો હોય છે. ઘણી વાર પશુ આડે ઉતરવાના કારણે સર્જાતા અકસ્માત અમુક વ્યક્તિ માટે પ્રાણઘાતક નીવડતા હોય છે. રાજુલાના ભેરાઈ ગામે રહેતો એક યુવક બાઈક લઈને જૂની કાતર ગામે નૈવેદ્ય કરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે ખૂંટિયો આડો ઉતરતાં સર્જાયેલા અકસ્માતમાં તેનું મોત થયું હતું. દિવાળીના તહેવારમાં જ યુવકના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે રમેશભાઇ રામભાઇ ભાલીયા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ મનસુખભાઇ ઉર્ફે મોન્ટુ રામભાઇ ભાલીયા (ઉ.વ.૩૫) તેના ગામના કિશોરભાઇ ટપુભાઇ ચુડાસમા સાથે તેના ગામના શિવાભાઇની બાઈક (GJ-14-AF-8457) લઇ નૈવેદ્ય કરવા જૂની કાતર ગામે ગયા હતા. જ્યાંથી પાછા ફરતા રસ્તામાં અચાનક  ખૂંટિયો આડો ઉતરતા બાઇક સાથે ભટકાયો હતો. જેના કારણે સંતુલન ગુમાવતાં નીચે પટકાયા હતા. જેમાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નિરજકુમાર ભીખાલાલ દાફડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.