બે વર્ષ પહેલા સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડનારી અભિનેત્રી નેહા મહેતાએ બીજો કોઈ ટીવી શો હાથમાં લીધો નથી. જોકે, નેહાએ હાલમાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં જ નેહાએ ખુલાસો કર્યો છે કે, તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે બાકીનું પેમેન્ટ આપ્યું નથી. નેહા મહેતાએ કહ્યું, “હું હંમેશા ગરિમાપૂર્ણ જીવન જીવી છું અને હું કોઈપણ બાબતે ફરિયાદ કરવામાં માનતી નથી. મેં અંજલી તરીકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષ સુધી કામ કર્યું હતું અને ૨૦૨૦માં શો છોડ્યો હતો. આ શોનું મારું છેલ્લા છ મહિનાનું પેમેન્ટ બાકી છે. શો છોડ્યા બાદ મેં કેટલીયવાર ફોન કરીને મારું પેમેન્ટ માગ્યુ હતું. મને ફરિયાદ કરવી નથી ગમતી. આશા છે કે, આ મુદ્દે જલ્દી જ સમાધાન આવશે અને મને મારી મહેનતના રૂપિયા મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બાદ નેહા મહેતાને કોઈ નવો ટીવી શો ઓફર થયો નથી. તેણે કહ્યું, “હું સારી ઓફરની રાહ જોઈ રહી છું. ટીવી ખૂબ સારું માધ્યમ છે અને તેના થકી મને ઘણું મળ્યું છે. એક સીરિયલમાં ૧૨ વર્ષ સુધી કામ કર્યા બાદ હું બીજી પર તાત્કાલિક કૂદી નહોતી પડવા માગતી. હું નવા કોન્સેપ્ટ પર ધ્યાન કેંદ્રિત કરી રહી છું. ઉપરાંત મારા પ્રોડક્શન હાઉસ પર પણ કામ ચાલુ છે. મને અપેક્ષા છે કે જલ્દી જ વેબ શો પર કામ શરૂ કરીશ. વેબ શો વિશે વાત કરતાં નેહાએ કહ્યું, “વેબ પણ ખૂબ સારું વૈકલ્પિક માધ્યમ છે પરંતુ તે ટીવીને રિપ્લેસ નહીં કરી શકે. ટેલિવિઝન જોનારો સમૂહ ખૂબ મોટો છે અને ભારતમાં લોકોને ટીવી જોવું ખૂબ ગમે છે. ઉલ્લેખનીય છે કે, નેહા મહેતાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષ સુધી તારક મહેતાની પત્ની અંજલીનો રોલ કર્યો હતો. ૨૦૨૦માં નેહાએ શો છોડ્યા બાદ અંજલીના રોલમાં એક્ટ્રેસ સુનૈના ફોજદારને લેવામાં આવી છે.