પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી છે. આ નકશો એ ત્રણ વિવાદિત વિસ્તારો બતાવશે કે જેના પર ભારત તેની સત્તાનો દાવો કરે છે. નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.
હકીકતમાં, ભારત પહેલાથી જ આ સરહદી વિસ્તારોને વિસ્તૃત કરી ચૂક્યું છે. ૧૦૦ રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે બેઠકમાં ૧૦૦ રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે. રેખા શર્મા નેપાળની માહિતી અને સંચાર મંત્રી પણ છે. તેમણે જણાવ્યું કે ૨૫ એપ્રિલ અને ૨ મેના રોજ યોજાયેલી બેઠકમાં કેબિનેટે ૧૦૦ રૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઈન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. અગાઉ, ૧૮ જૂન, ૨૦૨૦ ના રોજ, નેપાળે તેના રાજકીય નકશામાં તે ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. આ માટે તેમણે બંધારણમાં સુધારો પણ કર્યો હતો.
નેપાળની સંસદમાં આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં ૨૫૮ મત (૨૭૫માંથી) પડ્યા હતા. આ બિલની વિરૂદ્ધમાં કોઈ સભ્યએ મતદાન કર્યું નથી. બિલ પસાર કરવા માટે ૨૭૫ સભ્યોના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. નેપાળી કોંગ્રેસ,રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ નવા વિવાદાસ્પદ નકશાને સમર્થન આપ્યું હતું.
વર્ષ ૨૦૧૯માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ ૨૦૨૦માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હતો. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
તમને જણાવી દઈએ કે નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે ૧૮૫૦ કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર જાળવી રાખે છે. આ વિસ્તારો ભારતની ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા છે.