નેપાળે ૧૦૦ રૂપિયાની નોટોનું પ્રિન્ટિગ ચીની કંપની ચાઈના બેંક નોટ પ્રિન્ટીગ એન્ડ મિન્ટીગ કોર્પોરેશનને સોંપ્યું છે. આ કંપની નોટોની ૩૦ કરોડ નકલો છાપશે. આ નોટમાં બનાવેલા નકશામાં ભારતના લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારોને નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. નેપાળ સરકારે મે મહિનામાં કેબિનેટની બેઠકમાં નોટોની ડિઝાઇનને મંજૂરી આપી હતી.
૨૦ મે, ૨૦૨૦ ના રોજ, નેપાળે બંધારણીય સુધારા દ્વારા લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાનો ભાગ જાહેર કરીને નવો નકશો જાહેર કરીને વિવાદ સર્જ્યો હતો. નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી અને ઉત્તરાખંડ સાથે ૧,૮૫૦ કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. આ ત્રણ વિવાદિત વિસ્તારો લગભગ ૩૭૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે.
પશ્ચિમ તિબેટના નાગરી ક્ષેત્રની નજીક આવેલા લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિસ્તારો છેલ્લા ૬૦ વર્ષથી ભારતના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. અહીં રહેતા લોકો ભારતીય નાગરિક છે, કર ચૂકવે છે અને ભારતમાં મતદાન પણ કરે છે.
દક્ષિણ એશિયાની મુત્સદ્દીગીરીમાં કાલાપાની ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તે ભારત, તિબેટ અને નેપાળ વચ્ચેના ત્રિ-જંક્શન પર છે. તે જ સમયે, લિપુલેખ પાસ ઉત્તરાખંડને તિબેટ સાથે જાડે છે. લિમ્પિયાધુરા પાસ વિસ્તાર પર નેપાળનો દાવો કાલાપાની પરના તેના દાવાથી ઉદ્ભવે છે. તે તિબેટની નાગરી સરહદ પાસે ભારતને અડીને આવેલું છે. લિમ્પિયાધુરા-કાલાપાની-લિપુલેખ એ ઉત્તરાખંડના કુમાઉ વિભાગના પિથોરાગઢ જિલ્લાનો એક ભાગ છે અને તે સંપૂર્ણપણે ભારતીય વહીવટ હેઠળ છે.