નેપાળના નાયબ વડા પ્રધાન બિષ્ણુ પ્રસાદ પૌડેલે તેમના ચીની સમકક્ષ ડીંગ ઝુએક્સીયાંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સમયબદ્ધ રીતે પ્રોજેક્ટના અમલીકરણ સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી.
પૌડેલ ચીનની છ દિવસની મુલાકાતે છે. તે શનિવારે કાઠમંડુ પરત ફરશે. નેપાળના નાણા પ્રધાન પૌડેલે ગુરુવારની ચર્ચા દરમિયાન, બંને સરકારો વચ્ચે થયેલા કરારોના અમલીકરણને ઝડપી બનાવવા માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
આ સાથે જ ડિંગે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વખાણ કર્યા. પરસ્પર લાભ માટે નેપાળ અને ચીન વચ્ચે વ્યવહારિક સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો. આ ઉપરાંત ચીનના ઉપ-પ્રધાનમંત્રીએ પણ સમજૂતીઓના સમયસર અમલીકરણની દરખાસ્ત સાથે સહમતિ દર્શાવી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બંને નેતાઓ ટ્રાન્સ-હિમાલયન મલ્ટી-ડાયમેન્શનલ કનેકટીવિટી નેટવર્ક હેઠળ પ્રોજેક્ટ્સને આગળ ધપાવવા સંમત થયા હતા. ખાસ કરીને કાઠમંડુ-કેરુંગ રેલ્વે, ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન, કિમાથંકા-હિલે અને હિલ્સા-સિમીકોટ રોડ પ્રોજેક્ટ પર કામ થવાનું છે.પૌડેલ અને ડીંગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન, શિક્ષણ, સાંસ્કૃતિક વિનિમય અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.
અગાઉ, નેપાળના નાણામંત્રીએ નેપાળ-ચીન વિકાસ સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે ચાઇના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સીના અધ્યક્ષ લુઓ ઝાઓહુઇને મળ્યા હતા. આ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કનેકટીવિટી, વેપાર અને પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. લુઓએ ચીનની સરકારને ચાલુ પ્રોજેક્ટ્સ તેમજ આજીવિકા અને સુશાસન સંબંધિત યોજનાઓને વેગ આપવા માટે સમર્થન વ્યક્ત કર્યું. બંને નેતાઓએ કૃષિ અને ઔદ્યોગિક ઉદ્યાનો તેમજ મદન ભંડારી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સહકાર અંગે પણ ચર્ચા કરી હતી.