ઓમિક્રાન વેરિયન્ટની દહેશતનાં કારણે આખી દુનિયાનાં અનેક દેશોમાં ચિંતા વધી રહી છે. બ્રિટન જેવા દેશોમાં તેજીથી કેસ વધી રહ્યા છે જેના કારણે ફરી એકવાર કોરોના વાયરસની લહેર આવે તેવી આશંકા છે. ભારતમા પણ ઓમિક્રાન વેરિયન્ટનાં કેસ વધી રહ્યા છે ત્યારે નેધરલેન્ડમાં આખા દેશમાં તાળાબંધીની જાહેરાત કરવામાં આવી છે.
નેધરલેન્ડમાં લાકડાઉનની વચ્ચે બ્રિટનમાં પણ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જો અહિયાં લાકડાઉન કરવામાં આવશે તો ઓમિક્રાનથી ચાર હજાર લોકોનાં મોત થઈ જશે. નેધરલેન્ડની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રાનનો પ્રસાર રોકવા માટે તથા આગામી લહેરને આવતી જાઈને યુરોપના બધા દેશોએ કડક પગલાં ભરવાની જરૂર છે.
કાર્યવાહક પ્રધાનમંત્રી માર્ક રૂટે જાહેરાત કરી કે નેધરલેન્ડમાં શાળા, કોલેજ, દુકાનો અને રેસ્ટોરન્ટ આગામી ૧૪મી જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવે છે. ક્રિસમસ પર ચાર જ મહેમાનોને આવવા માટેની પરવાનગી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આખા દેશમાં ફરીથી લાકડાઉન કરવામાં આવી રહ્યું છે કારણ કે ઓમિક્રાન વેરિયન્ટનાં કારણે પાંચમી લહેર આવી શકે છે.
નોંધનીય છે કે ફ્રાંસ, સાયપ્રસ અને ઓસ્ટ્રિયા જેવા દેશોમાં પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડેન્માર્કમાં પણ અનેક સ્થળો પર તાળાબંધીનાં આદેશ આપવામાં આવ્યા છે. આયર્લેન્ડનાં પણ આવા જ હાલ થયા છે.