રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે ફરીથી કહ્યું છે કે નેતાઓએ ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ. તેમણે નાગપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે કોઈ તમને ૭૫ વર્ષના થવા બદલ અભિનંદન આપે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તમારે રોકાઈ જવું જોઈએ. બીજાને કામ કરવાની તક આપવી જોઈએ.
આરએસએસના વડા ભાગવતે મોરોપંત પિંગલેની યાદમાં એક પુસ્તકનું વિમોચન સમારોહમાં આ ટિપ્પણી કરી હતી. ભાગવતે કટોકટી (૧૯૭૫) પછીના રાજકીય પરિવર્તન દરમિયાન પિંગલેની આગાહીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે ચૂંટણીની ચર્ચા થઈ રહી હતી, ત્યારે મોરોપંતે કહ્યું હતું કે જો બધા વિપક્ષી પક્ષો એક સાથે આવે, તો તેઓ લગભગ ૨૭૬ બેઠકો જીતશે અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે ફક્ત ૨૭૬ બેઠકો જ જીતી શક્યા. જોકે, ચૂંટણી પરિણામો દરમિયાન તેઓ આ ચર્ચાઓથી દૂર રહ્યા. પિંગલે ક્યારેય તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો ન હતો. તેઓ પોતાના સ્મિત સાથે વિષયો બદલતા હતા અને કોઈપણ સન્માન સમારોહમાં હાજરી આપવાનું ટાળતા હતા.
ભાગવતના નિવેદનથી ચર્ચા શરૂ થઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે સંઘ વડાએ વડા પ્રધાન મોદીને આ સંદેશ આપ્યો છે. જોકે, પાંચ વર્ષ પહેલાં, ભાગવતે મોદીને ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાના તેમના નિવેદનમાં અપવાદ ગણાવ્યા હતા.
એ પણ રસપ્રદ છે કે ગયા વર્ષે મે મહિનામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પીએમ મોદી ૭૫ વર્ષના થયા પછી પણ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના નથી. ભાજપના બંધારણમાં આવી કોઈ જાગવાઈ નથી. શાહે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના રાજકીય ઉત્સાહ વચ્ચે ૭૫ વર્ષની ઉંમરે નિવૃત્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે મે ૨૦૨૪માં જ મોદીના ઉત્તરાધિકારી વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના જવાબમાં શાહે કહ્યું હતું કે પીએમ મોદી નેતૃત્વ કરતા રહેશે.
બાવનકુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર કહ્યું હતું કે, ‘ભાજપમાં એવો કોઈ નિયમ નથી જે વડાપ્રધાન મોદીને ૭૫ વર્ષની ઉંમર પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેવા દબાણ કરે. આવો કોઈ નિર્ણય ક્યારેય લેવામાં આવ્યો નથી.’
બાવનકુલેએ કહ્યું હતું કે ભારતીય બંધારણ પણ આવી કોઈ જોગવાઈ કરતું નથી. તેમણે કહ્યું, ‘ભાજપના ભૂતપૂર્વ નેતા અટલ બિહારી વાજપેયી ૭૯ વર્ષની ઉંમર સુધી વડા પ્રધાન રહ્યા, જ્યારે મોરારજી દેસાઈ (૮૩) અને ડા. મનમોહન સિંહ (૮૧) પણ ૭૫ વર્ષની ઉંમર પછી પણ વડા પ્રધાન રહ્યા.







































