બગસરા કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી બે વર્ષની સજા વોરંટના આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપી લીધો હતો. મૂળ બગસરાના અને હાલ ગાંધીનગરના પેથાપુર ગામે રહેતા વિજયભાઈ લાલુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૨)ને બગસરા કોર્ટે નેગોશીએબલ ઇન્સ્ટમેન્ટ એકટ્રની કલમ.૧૩૮ અંતર્ગત બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત આરોપીને ચેકોની બાકી નીકળતી રકમ રૂ.૬૫,૦૦૦ થી બમણી રકમ રૂ.૧,૩૦,૦૦૦નું વળતર દિન-૬૦ સાથે કોમ્પનસેશન(વળતર) તરીકે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો આરોપી આ રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. જે અંગે સજા વોરંટની બજવણી કરી આરોપીને પરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામેથી પકડીને સજા ભોગવવા જિલ્લા જેલ અમરેલી ખાતે મોકલી આપ્યો હતો.