અમરેલી જિલ્લામાં વધુ બે લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. બાબરાના નીલવડા ગામે રહેતા રાજેશભાઈ ગોબરભાઈ ગ્રાંભડીયા (ઉ.વ.૩૦)એ અજાણ્યા વાહનચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટાભાઈ સુરેશભાઈ ગોબરભાઈ ગ્રાંભડીયા (ઉ.વ.૩૫) સનેડામાં કપાસ ભરીને જતા હતા ત્યારે બાબરા નજીક ઈંટોના ભઠ્ઠા પાસે પહોંચતા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. સૂર્યપ્રતાપગઢ ગામે રહેતા નાનટીબેન સુરમનભાઈ બારેલા (ઉ.૨૯)એ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ અનિડા ગામે ઘઉં દળાવવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે ખાખરીયા ગામ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે તેમના પતિને ટક્કર મારતાં પડી ગયા હતા. જેમાં તેમને ઈજા થતાં મોત થયું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરિયા વધુ તપાસ કરી રહ્યા છે.