બોલિવુડનું કપૂર ખાનદાન પોતાની ખાવાપીવાની આદતો માટે પ્રખ્યાત છે. કપૂર ખાનદાનની દરેક વ્યક્તિ ખાવાપીવાની શોખીન છે. આ વાતનો પુરાવો અવારનવાર એકબીજોના ઘરે અથવા રેસ્ટોરાંમાં લંચ કે ડિનરના બનતાં પ્લાન આપે છે. આખો પરિવાર સાથે ના જઈ શકે તો અમુક સભ્યો પણ સાથે લંચ લેવાનો મોકો ચૂકતાં નથી. હાલમાં જ કપૂર પરિવારના કેટલાક સભ્યોએ સાથે લંચ લીધું હતું જેની તસવીરો કરિશ્મા અને નીતૂ કપૂરે શેર કરી છે. ફેમિલી લંચમાં નીતૂ કપૂર ઉપરાંત રણધીર કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન અને નિતાશા નંદા (સ્વર્ગીય રિતુ નંદાના પુત્રી) હતા. નીતૂ કપૂરે આ તસવીર શેર કરતાં તેમણે જોપાનીઝ ફૂડ ખાધું હોવાની માહિતી આપી હતી. નીતૂ કપૂરે તસવીર શેર કરતાં લખ્યું, આજકાલ આ મુલાકાતો સ્પેશિયલ બની ગઈ છે. રણધીર કપૂરની દીકરી કરિશ્મા કપૂરે પણ આ જ તસવીર શેર કરતાં લખ્યું, ફેમિલી લંચ બેસ્ટ હોય છે. હજી કેટલાંકને મિસ કરી રહ્યા છીએ. કપૂર ખાનદાનના ફેમિલી લંચની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. તસવીરોમાં જોઈ શકો છો કે નીતૂ કપૂર બ્લૂ ટોપ અને વ્હાઈટ પેન્ટમાં હંમેશાની જેમ સુંદર લાગી રહ્યાં છે. નીતૂ કપૂરની ફિટનેસ અને ખૂબસૂરતી જોઈને કોઈને પણ ના કહે કે તેઓ ૬૩ વર્ષના છે. કરિશ્મા કપૂર પણ ફેમિલી લંચમાં સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર થોડા દિવસ પહેલા જ પટૌડીથી પાછી આવી છે. અહીં તેણે બહેન કરીના કપૂર અને તેના પરિવાર સાથે દિવાળી ઉજવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, નીતૂ કપૂરે થોડા દિવસ પહેલા જ કમબેક ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ પૂરું કર્યું છે. નીતૂએ ફિલ્મના સેટ પરની પોતાની મિરર સેલ્ફી શેર કરતાં લખ્યું હતું, આખરે જુગ જુગ જિયોનું શૂટિંગ પૂરું થયું છે. કામ કરવાનો અનુભવ અદ્ભૂત રહ્યો. અહીં કેટલાક ખૂબ સારા મિત્રો બનાવ્યા અને આત્મવિશ્વાસ મેળવ્યો જેની એ વખતે ખૂબ જરૂર હતી. આ ફિલ્મ હંમેશા ખાસ રહેશે. જણાવી દઈએ કે, ઋષિ કપૂરના નિધન બાદ દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમાના કહેવા પર નીતૂ કપૂરે આ ફિલ્મ સાઈન કરી હતી. ઋષિ કપૂરના અવસાન બાદ નીતૂની આ પહેલી ફિલ્મ છે અને તેઓ ૭-૮ વર્ષ બાદ આ ફિલ્મથી કમબેક પણ કરી રહ્યાં છે.