નીટમાં પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરમાં એક ટોળકી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજકોટમાં સારા માર્ક્‌સની લાલચ આપીને ભોળા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફસાવવાના કાળા કામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટોળકીના સાગરીતો ૭૫ લાખથી ૧ કરોડમાં નીટમાં કુલ ૬૫૦+ માર્ક્‌સ અપાવવાનું વચન વિદ્યાર્થીઓને આપીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર ૮૫ લાખ વિદ્યાર્થીઓને ૬૫૦+ માર્ક્‌સ અપાવી જેવાની ગેરંટી અપાઈ હતી. રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની ડીલની વિગતો સામે આવી હતી.ત્યારે વિદ્યાર્થીના વાલીને અમદાવાદની હોટેલમાં બોલાવી ડીલ કરાવી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ ૮ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. તો આ ટોળકીનું નેટવર્ક કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું જાણવા મળ્યું છે.

આવનારી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાની ટોળકી દ્વારા ગેરંટી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના એક ક્લાસિસ સંચાલકની આ કૌભાંડમાં ભેદી ભૂમિકા રહેલી છે. ત્યારે આ ટોળકીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો પરીક્ષા આપનારા વિદ્યાર્થીના ૪થી ૫ માસ અગાઉ જ અન્ય રાજ્યના આધારકાર્ડ બનાવી દેવાય છે. નીટમાં ગેરરીતિના મામલે સીબીઆઇ  સહિત ૧૧ જગ્યાએ વાલીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ મંત્રી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ કરી છે. જેમાં વાલીએ ગુજરાતના ૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા સેટિંગ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.