કોરોના વાયરસનો પ્રકોપ ભલે થોડો હળવો થઇ ગયો છે, પરંતુ પૂર્ણ રીતે નાશ નથી પામ્યો. હજી પણ લોકો તેના સપાટામાં આવે છે. છેલ્લા થોડા દિવસથી મનોરંજન જગતમાં કોઇને કોઇ સિતારા કોરોના પોઝિટવ હોવાના વાવડ આવે છે. આ વખતે બિગ બોસ ૧૪ની સ્પર્ધક નિક્કી તાંબોલી ફરી કોરોના પોઝિટવ થઇ છે.
નિક્કીએ આ વાતની જોણકારી સોશ્યલ મીડિયા દ્વારા આપી છે. તેણે લોકોને કોવિડ પ્રોટોકલ ફોલો કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. સાથેસાથે તેણે એમ પણ કહ્યું છે કે, પાછલા દિવસોમાં જે પણ લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની કોરોના ટેસ્ટ કરાવી લેવી.
તેણે લખ્યું છે કે, મારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. મારામાં કોવિડ-૧૯ના ગંભીર લક્ષણ જોવા મળ્યા છે. મેં સ્વયંને ક્વોરોનટાઇન કરી લીધી છે. આ વખતે પણ હું મારું ધ્યાન રાખી રહી છું. છેલ્લા થોડા દિવસો જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની ટેસ્ટ કરાવી લેવી.
ઉલ્લેખનીય છે કે, નિક્કીએ ગયા વરસે જ કોરોના મહામારીમાં પોતાના ભાઇને ગુમાવ્યો છે. પોતે પણ ૨૦૨૧માં કોવિડના સપાટામાં આવી ગઇ હતી. આ વખતે પણ તે ગંભીર લક્ષણોનો સામનો કરી રહી છે.