સાઈરનની ગૂંજ અને ગાડીઓના ઘરઘરાટથી કોલેજ સત્તાવાળાઓ અને આખેઆખો સ્ટાફ આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતાં.
છોકરા છોકરીઓ અચરજથી આ બધું નિહાળી રહ્યા હતાં.
કોલેજની બહાર પણ ટ્રાફિકજામ થઇ ગયો હતો.
શું બન્યું..? શું બન્યું..? જાણવા સૌ કોઈ ઉત્સુક હતાં.
લંકેશના મનમાં પણ ફડક પેસી ગઈ કે.., આમાં ક્યાંક મારો વારો ના પડી જાય.
અધિરાઈનો અંત જોષીસર પાસે પહોંચ્યો.
એક કડકાઈભર્યો પણ.., સ્ત્રી અવાજ જોષીસરનાં કાને અથડાયો.
એ અવાજ હતો. પી. એસ. આઈ. ગોહીલ મેડમનો.
“મિસ્ટર જોષી..! અમને બાતમી મળી છે કે.., તમારી કોલેજમાં ડ્રગ્સ વેચનારા પેડલરનાં આંટાફેરા વધી ગયાં છે. આજે જ તમારી કોલેજમાં એમણે એ ડ્રગ્સ ભરેલી સિગારેટનાં પેકેટ પહોંચાડયાં છે. એમણે ડિલિવરી ઉતારી છે.”
જોષીનાં ધોતિયાં ઢીલાં થવાં લાગ્યાં.
એમને ગેં.. ગેં.. ફેં.. ફેં..થવા લાગ્યું..
“ ના હોય મેડમ..! અમારી કોલેજમાં ડ્રગ્સ..? ત.. ત.. તમારી કોઈ ભૂલ બુલ થઈ હોય..!”
“ જો જોષી..! આ ગોહીલ પૂરેપૂરી બાતમી અને આધાર પુરાવા સાથે કામ કરે છે. અને કોઇની પણ સાડાબારી રાખ્યાં વગર કામ કરે છે.
તમારે ત્યાં ડિલિવરી ઉતરી એટલે ઉતરી.
બોલો તમે સપોર્ટ કરો છો..? કે પછી..? ”
“ ના.. હોય.. સર..! એવું ના હોય..! પણ..!? ”
“ પણ.. અને બણ..! જો અને તો આ ગોહીલની ડિક્શનરીમાં નથી, નથી અને નથી. ટી. વી. ઉપર જો અને તો કરવાવાળા તમે જ હતાં ને..! ”
“ તો પછી મારાથી ચેક કરવાની શરૂઆત કરો. ”
“ તમે અમને કો-ઓપરેટ કરશો કે…, પછી..? ”
“ ભ.. ભ.. ભૂલ.. ભૂલ..! બોલો..! શું સહાયતા કરૂં..? ”
બે હાથ જોડીને જોષી કરગરી રહ્યા.
“ તમારી કોલેજ છે. તમારો દરેક વિદ્યાર્થી ઉપર કડક જાપ્તો છે. કોની હિલચાલ કેવી..? અને શા માટે છે..? ઈ પણ તમને ખબર છે. તો પછી.., તમે સામેથી અમને સોંપી દો. અમે જોઈ લઈશું એમને.”
“ ના સર..! ના સર..! મને કાંઈ જ ખબર નથી. અને આમે ‘ય મારી નોકરીનો સવાલ છે.
તમે તો જાણો છો. કે… ”
“ જોષી…! તો પછી અમારે અમારી રીતે ગુનેગારને શોધવો પડશે. તમને વાંધો તો નથી
ને..!? ”
સ્ટાફ આખો મિયાંની મીંદડી બની ગયો. છોકરા છોકરીઓ ફાટીઆંખે બધું જોયાં કરે. કઠણ કાળજાનાં તો આ જીરવી શકે. પણ બાળોતિયાંનાં બળેલ બચ્ચારા થથરી રહ્યા હતાં.
નયનને લાગ્યું આ વળી નવું કમઠાણ ઊભું થયું. તો રોશનીની શંકા પ્રબળ બની રહી હતી.
ફરી એક ઘાંટો દરેકને સંભળાયો.
“ચાલો.. દરેક છોકરીઓ અને બધાં જ છોકરાઓ. એક એક લાઈનમાં આવી જાવ.
દરેક પોત પોતાનો મોબાઈલ સ્વિચ-ઓફ કરો. કોઈ પણ.., કોઈ પણની સાથે વાત કરી શકશે નહીં.
જ્યાં સુધી અસલી ગુનેગાર ના પકડાય ત્યાં સુધી તમારે બધાંએ ક્યાંય પણ જવાનું નથી.”
કેટલીક છોકરીઓની આંખ વરસવા લાગી. સુના ડૂસકાં સંભળાવા લાગ્યાં.
તો છોકરાઓના મોઢાં’ય જોયા જેવા થઈ ગયા.
“ હવે મને એ કહો કે.. આમાંથી સિગારેટ પીવાની આદત કોને કોને છે..? તમાકુંનો મસાલો ખાવાની આદત કોને કોને છે..?
આંગળી ઉંચી કરો તો..!”
એક પણ આંગળી ઉંચી ના થઈ.
જોષી સામે જોઈને મેડમ બોલ્યાં.
“વાહ..! વાહ..!! સર વાહ..! તમારી કોલેજ તો નિર્વ્યસની છે… વાહ..!”
ટેબલ પર ડંડો પછાડીને ઉંચા સાદે બોલતાં ઃ
“ ખબરદાર..! પોલીસની આંખમાં ધૂળ નાંખવાની કોશિશ કરી છે તો. આ ખાખી વરદી અમને એમ જ મળી ગઈ છે એમ..!?
છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાંખવાની ત્રેવડ છે. આ ખાખી વરદીમાં.
તમારી એક એક હિલચાલ અમારી આંખોનાં કેમેરામાં કેદ હોય છે.
અમને ખબર છે કે.., અહીં ગુનેગાર કોણ છે..? જો તમે સામેથી સ્વિકારી લેશો તો સજા ઓછી થશે. અને જો અમે પકડીશું તો સજા ડબલ.
બોલો..! બોલ તમારી કોર્ટમાં છે. ફેંસલો પણ તમારી સામે છે.”
કોઈ જ હિલચાલ નજરે ના પડી કે કોઈ આગળ પણ ના આવ્યું.લટાર મારતાં મારતાં મેડમ લંકેશ પાસે આવી પહોંચ્યા.
(ક્રમશઃ)