બોસ, બકો અને બેરાલાલ બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે આ સિઝનની ગણતરી કઈ સિઝનમાં કરવી ? હાલે છે ઉનાળો, વરસે છે વરસાદ. વાવણી ગણાય નહીં. માવઠું હોય તો એકાદ દિવસનું હોય. આ તો રોજેરોજ બે ત્રણ ઈંચ પડે. આને શું કહેવું?
અંબાલાલે’ય ગોથે ચડી ગયા છે.
આ વખતે બકાના બદલે બોસે પ્રશ્ન કર્યો.
“બકા ! રે’તા રે’તા આખરે સરકારે પેટાચૂંટણી જાહેર કરી ખરી હોં. ઘણાં ‘ય મુરતિયા તૈયાર થયા છે. બકા તારો વિચાર ખરો કે?”
“ના બોસ ના, આપણી પાંહે એવા પૈસા ક્યાં છે?
આ તો વધારાનાં પૈસા વાળાનું કામ. આમાં તો ખોબેને ધોબે પૈસા ઉડાડવા પડે અને આપણી પાંહે આવા પૈસા જ ક્યાં છે?”
“બકા, પૈસા તો તું ચૂંટાઈ જા એટલે પૈસા જ પૈસા છે. ”
“ના બોસ ના, આપણે ગણાઈએ નવા નવા, જુના ખાધે પીધે સુખી માણસો આપણા હાથમાં કાંઈ ના આવવા દે.”
“અરે બકા..!, તું ભુલે છે. ગામડાનાં નાના નાના સભ્યોને ‘ય હપ્તો આવતો હોય. તો આ તો કે’વાય ધારાસભ્ય. ધારાસભ્યને હપ્તા તો આવતા જ હશેને..!!?”
“બોસ, તમે કહો છો ઈ વાત કદાચ હાસી હોય તો’ય ધારાસભ્યને ખરચનો પાર ના રહે. ઠેક-ઠેકાણે ફાળો લખાવવો પડે. હાજરી આપે ન્યાં કાંઈક ને કાંઈક આપવું પડે. કાંઈ નહીં તો ઠાલા વચનો તો આપવા જ પડે.”
“હવે બકા એવું બધું તો નેતાને મન કાંઈ ના ગણાય. મોટા ભાગનાં નેતાઓ બોલવામાં જ હોંશિયાર હોય છે. આપવાની વાત આવે એટલે ભૂલી ગયા હોય છે. કે ભુલવા માટે જ બોલે છે. આમેય બિચારા કેટલૂંક યાદ રાખે?
અને એક વખત ચૂંટાય એટલે મતદારો વધે, એમ ઘરે ‘ય વધે. બચાડા એકલે હાથે કેટ-કેટલા ઠેકાણે પહોંચે.” “બોસ, મને કાંઈ સમજાણું નઈ. મતદારો વધ્યાં ઈ તો હમજયાં પણ, ઘર કેવી રીતે વધે ??” “હવે બકા, આવી વાતો જાહેર ના કરવાની હોય. ખાનગી રાખવાની હોય. સેવાના કામ કરે એટલે ઘર તો વધે જ. કેટલાય ઘરનું નવું ઠેકાણું બદલે. તો કેટલાક નેતાઓ પોતાની મોંઘી ગાડીને જ ઘર માનીને બેડરૂમ સમજે.
પણ, તારે આવું બધું ક્યાં કરવું છે? તું તો સીધોસાદો માણસ.”
“બોસ, સીધા માણસનું અત્યારે કાંઈ આવે છે? એને કોઈ ગણતું ‘ય નથી. હા ઉપરવાળો કદાચ નોંધ કરતો હશે. અને આપણે તો બીજું ઘર શું કોઈની સામેય જોવું નથી.(ખાસ કરીને મહિલા વર્ગ)”
“તો પછી તને ચિંતા શાની છે? તું તારે ઝંપલાવી દે. અમે હંધાય તારી હારે જ છીએ. પછી તારે વાંધો શું છે??”
“મને વાંધો એક જ વાતનો છે. બીજા પક્ષ વાળા ટિકિટ આપે તો તો વાંધો નથી. પણ, જો સત્તાધારી પક્ષ ટિકિટ આપે તો લોચો થાય.”
“લોચો !?? ઈ વળી કેમ ? લોકો સત્તાધારી પક્ષની ટિકિટ ખરીદવા પડાપડી કરે છે અને તને વાંધો છે?”
“હા, મને વાંધો છે અને ઈ વાંધો હાસો ‘ય છે.”
“શું વાંધો છે? ઈ તો કે.”
“સત્તાધારી પક્ષની કેટલા વરસથી સરકાર છે?”
“જાજા વરહ થઈ ગયા હોં.”
“એ જાજા વરહથી કેમ ચૂંટાય છે ? ખબર છે?”
“કામ કરે એટલે. વચન નિભાવે એટલે.”
“હં..હં..અ. આ સરકારમાં કેટલાય એવાં મંત્રી છે જે આપેલું વચન પાળવામાં પાછીપાની કરતાં નથી.
ભલે થોડુંઘણું વહેલાં મોડું થાય. પણ, વચનના પાક્કા હોય છે.”
“તો તને આમાં શું વાંધો પડ્યો? આ વાત તો હારી કેવાય. તુંય તું’તારે વચન નિભાવજે ને.”
“મને બીક એક વાતની છે કે, નિશાળ બને અને તમે ઉદ્ઘાટનમાં ગયા. તો પાંચ હજાર, દસ હજાર આપીને તમે છૂટા થઈ જાવ. અનાથાશ્રમનાં ઉદ્ઘાટનમાં આપણે શું કરવાનું? ”
“ન્યાં છોકરા લખાવી દેવાનાં. અમથાય આડા અવળા તો હોવાનાં જ છે.”
“મને વાંધો ઈ વાતનો જ છે. આ પક્ષમાં વચન પાળવાવાળા જાજા છે.”
“એટલે તારું કેવાનું હું છે? જરાં દાખલો આપીને હમજાવીશ?”
“જૂઓ, સરકારનાં એક મંત્રી છે. બચુભાઈ ખાબડ એમણે અને જાડેજાભાઈએ દાહોદની એક સબજેલનુ ઉદ્ઘાટન કરેલું. તારીખ ૨૦/૧૨/૨૦૨૦ માં. ત્યારે જેલ ખાલી ખાલી હતી. અધિકારીઓએ કહ્યું, “અમારી જેલનું ધ્યાન રાખજો.”
ત્યારે મંત્રી બચુભાઈ ખાબડે કહેલું, “હા તમ તમારે ચિંતા ના કરો. આ તમારી ટકોર અને તમારી વાત અમારી ડાયરીમાં નોંધાય ગઈ છે.”
હવે આ વાતનાં વાણાં વાઈ ગયા. ૨૦૨૦ ની વાત. અત્યારે ૨૦૨૫ હાલે છે. અધિકારીઓ વારંવાર યાદી અપાવે. મંત્રી હા..હા.. કરે પણ, મંત્રી વચનના પાક્કા નીકળ્યા. એમણે પોતાનાં સગા બે દીકરાઓને જેલને અર્પણ કરીને વચન પાળ્યું.
“બકા, આમાં કાંઈ હમજણનો ટપો ના પડયો. જરાં ફોડ પાડીને વાત કરને.”
“મંત્રીએ જેલના અધિકારીઓને આપેલું વચન પાળવા માટે પોતાના સગા દીકરાઓ પાસે મનરેગામાં કૌભાંડ કરાવ્યું. ઓન પેપર તો ૭૧ કરોડ કહેવાય છે પરંતુ વિપક્ષ વાળા આને રૂપિયા બસો કરોડ ગણાવે છે. નેતાઓ વચનના પાક્કા હોય છે. બસો કરોડ હોય તોય નાં ન કહેવાય. પણ, મંત્રી વચનના પાક્કા નીકળ્યા ખરાં.”
“તોય તને આમાં વાંધો શું છે??”
“મારે આવાં બે છોકરાઓ ક્યાં લેવા જોવા !??”










































