અમરેલી જિલ્લામાં મહિલાઓ ઘરમાં પણ સલામત ન હોય તેમ લાગે છે. સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતી એક પરિણીતા તેના ઝૂંપડામાં કપડાં બદલતી હતી ત્યારે એક શખ્સે આવી તેને પછાડીને આબરૂ લેવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પરિણીતાએ માવજીભાઈ કાનાભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પરિણીતા રહેણાંક મકાને પંચાયતના નળનું પાણી પાઈપ લાઈનથી ભરતી હતી ત્યારે આરોપીએ પાણીની પાઈપ પરથી બાઇક ચલાવતાં તેણે આમ ન કરવા જણાવ્યું હતું. જેનું મનદુઃખ રાખી આરોપીએ મહિલા તેના રહેણાંક ઝુપડામાં કપડાં બદલતી હતી ત્યારે અચાનક આવી ગાળો બોલી પ્રવેશ કર્યો હતો અને વાળ પકડી ખાટલા ઉપર પછાડી દઈ આબરૂ લેવાની કોશીશ કરી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.