અમદાવાદમાં હોમગાર્ડ ઇન્ચાર્જનો એક ઓડિયો વાયરલ થતાં હંગામો મચ્યો છે. આ વાયરલ ઓડિયોમાં સામે આવ્યું કે એક ઇન્ચાર્જ અધિકારી પોતાના નીચેના પદના અધિકારી પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. હોમગાર્ડ ઇન્ચાર્જ પૈસાની વસૂલાત કર્યાના વાયરલ ઓડિયોએ વિભાગમાં હડકંપ મચાવ્યો. આ ઓડિયો હોમગાર્ડ ઇન્ચાર્જ ધનજી સોલંકીનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ થયેલ ઓડિયો મામલે જાગૃત નાગરિકે એસીબી અને ડીજીપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી.
શહેરમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. સામાન્ય નાગરિકોથી લઈને વિવિધ ક્ષેત્રના નામાંકિત લોકો નફો કમાવવા જુદા-જુદા માર્ગ અપનાવવા લાગ્યા છે. હાલમાં સ્કેમ અને ખ્યાતિકાંડની આગ હોલવાઈ નથી ત્યાં પૈસાની ઉઘરાણી કરનાર હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ થયો. આ હોમગાર્ડ ઇન્ચાર્જ આઠ વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે. લાંબા સમય સુધી એક જ જગ્યા પર કામ કરતો હોવાથી ઇન્ચાર્જને અમુક સત્તાઓ મળી. જા કે તેનો ગેરલાભ ઉઠાવતા ઇન્ચાર્જ પોતાના તાબા હેઠળના હોમગાર્ડ પાસે ફોન કરી પૈસાની માંગ કરવા લાગ્યો. આ મામલામાં એવું જાણવા મળ્યું કે હોમગાર્ડ પાસેથી દર મહિને અમુક ફિક્સ રકમની માંગણી કરવામાં આવતી હતી. જા તેની માંગ પૂરી કરવામાં ના આવે તો હેરાનગતિનો સામનો કરવો પડતો. જા કે લાંબા સમય સુધી હોમગાર્ડ ઇન્ચાર્જની આ દાદાગીરી ના ચાલી.
પૈસાની ઉઘરાણીનો આ ઓડિયો લીક થયા બાદ હોમગાર્ડ ઇન્ચાર્જની પૂછપરછ કરવામાં આવશે. હોમગાર્ડની સેવાઓને લઈને અનેક વખત તેમને બિરદાવવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં લીક થયેલ ઓડિયોને લઈને વિભાગમાં કામ કરનાર હોમગાર્ડની સ્થિતિ સામે આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા હોમગાર્ડ સેવામાં થતા આ ભ્રષ્ટાચાર પર નિયંત્રણ અને નિવારણને લઈને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો એસીબી અને ડીજીપીને લખાયેલ પત્રમાં જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર નિવારણ કરીને આવા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.