નારી વંદન સપ્તાહ અંતર્ગત અમરેલીમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ખાનગી સંસ્થાઓએ નોકરીદાતા તરીકે ભાગ લઈ મહિલાઓને રોજગારી અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ, શૈક્ષણિક કીટ તેમજ મહિલા સ્વાવલંબન સબસિડીના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે ૫૦૦ જેટલી મહિલાઓ અને યુવતીઓએ મેળામાં ભાગ લઈ આત્મનિર્ભર બનવા માટે વિવિધ તકો વિશે માહિતી મેળવી હતી.