પુનમનાં ચાંદાનું એક કિરણ ચંદાની ઝુંપડીમાં રહેલા એક કાણાંમાંથી સોસરવું ઉતરીને ખુણામાં રહેલ ચુલા પર જ પડતું હતું. ખુલ્લી આંખે સુઈ રહેલી ચંદા ચાંદાનાં કિરણને દુશમનની નજરે જોઈ રહી.
“રાત આખી આ ચાંદો મારા ચુલાને સ્પર્શી સ્પર્શીને ઠંડોગાર બનાવી દે છે, અને સવારે આ ચંદા ફૂંકી ફૂંકીને રાતીચોળ (ગરમ) થઇ જશે. પણ ચાંદા ને શું લાગે વળગે? ચુલો સળગે કે ન સળગે.” ચંદાએ એટલા રોમેન્ટિક ચાંદાની પણ ઝાટકણી કાઢી નાખી.
ચાંદો તો જાણે કંઇ સાંભળ્યો જ નથી એમ તેનું શીતળ કિરણ મરક મરક કરતું ચુલા પર પથરાતું જ રહ્યું. છેવટે ચંદા ઉઠી અને એક કોથળો ચુલા પર ઢાંકયો. પછી ચંદાને શીતળ નીંદર આવી ગઈ. જેમ જેમ રાત વધતી જતી હતી તેમ ઠંડી તેનું જોર વધારતી જતી હતી.
ચંદાની કોથળાવાળી પથારી અને કાણાંવાળી ઓઢવાની ચાદરમાં ઠંડીને ઘુસવાની ખુબ મજા આવતી હતી. પણ એટલી ઠંડીમાં પણ ચંદા શાંતિથી ઘસઘસાટ સુઈ રહી હતી. આખા દિવસનાં ખેતમજુરીનો થાક અને મહેનતના પસીના સામે ઠંડીનું ન ચાલ્યું.
ચંદ્રવતી. હા આ ચંદાનું સાચું નામ ચંદ્રવતી હતું. કોઈ રાજકુમારીથી કમ ન હોતું એનું રૂપ! પણ જેટલું એની પાસે રૂપ હતું તેટલી જ તેનાં બાપ ચીમન પાસે ગરીબાઈ હતી. અત્યારે હતી તેનાં કરતાં પણ નાની અને બદતર હાલતની ઝુંપડીમાં 6 જણના પરિવાર સાથે તે રહેતી. એવામાં જેમ વાર્તાઓમાં હોય છે એમ એક ચંદ્રેશ નામક રાજકુમાર આવ્યો અને ચંદ્રવતીને પરણીને લઈ ગયો.
આ શું ચ ચ જ માંડ્યું છે? બધાંનાં નામ ચ પરથી જ! હાસ્તો વળી. નામમાં શું રાખ્યું છે? પણ ચંદાનું નામ પણ જાહોજલાલી વાળા સાસરામાં ચંદ્રવતી કરી દીધેલું. ગરીબ બાપની ઝુંપડીમાંથી આ મહેલમાં આવેલી ચંદ્રવતીનું ઝાઝું સુખ વિધાતા જોઈ ન શક્યા. થોડા જ સમયમાં પતિ ચંદ્રેશનું એક્સિડન્ટ થયું, ધંધો ભાંગી પડ્યો અને પછી ગરીબી તરફ ધકેલાતાં સાસરાવાળાએ ચંદ્રવતીને અપશુકનિયાળ ગણીને કાઢી મુકી. અને તે ફરી બની ગઈ ચંદા.
ચાંદો હવે ચંદાનાં ચુલાને ટાઢોબોળ કરીને ચાલ્યો ગયો હતો. અને સુરજ ચુલાની મુલાકાતે આવવા તૈયારી કરતો હતો. ચંદાની આંખ ખુલ્લી અને ઉઠતાંવેંત જ ચુલા પાસે ગઈ. દાંતણપાણી કરીને મજુરીએ જવાનું હતું. જો આસપાસની બહેનપણીઓ ચાલી જશે તો પોતાને છેક સીમ સુધી એકલું જવું પડશે.
ચંદા ઝટપટ જીણા જીણા બળતણ ચુલામાં ગોઠવવા લાગી. અને દીવાસળી પેટાવી. એક જ ઘા એ તાપ થઈ ગયો. જોયું ચાંદા તારે તો ચુલાને હજુ ટાઢો કરવો હતો પણ મારા કોથળા કામ કરી ગયાં. ચંદાએ ભ્રમર નચાવતાં ફરી ચાંદાને ભાંડયો. ત્યાં જ એક તણખો ઉડીને ચંદાના હાથ પર પડ્યો. એવી કડકડતી ઠંડીમાં પણ નાનો એવો એક તણખો ચંદાને દજાવી ગયો. ફરી ચંદાએ ચાંદા તરફ આંગળી ચીંધી, તો પણ તું તારું કામ તો કરી જ ગયો લાગે છે. અને આસમાનમાં સુઈ ગયેલાં શીતળ ચાંદાએ હેડકી લીધી.