લીલીયા તાલુકાના નાના લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ માળવીયાએ ગઈકાલે અચાનક તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું ધરી દીધું હતું. તેમણે અંગત કારણોસર સમય ફાળવી ન શકતા હોવાનું જણાવ્યું હતું. આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં માત્ર ૨ મતે વિજેતા બનેલા અરવિંદભાઈએ ચૂંટણી જીતવા માટે કાનૂની ખેલ ખેલવો પડયો હતો. થોડા દિવસે પહેલા લાંબી લડાઈ બાદ કોર્ટે તેમને વિજેતા જાહેર કર્યા હતા. ત્યારબાદ અચાનક જ અરવિંદભાઈએ રાજીનામું ધરી દેતા અનેક ચર્ચાએ જાર પકડયુ છે. સરપંચે પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો છે. તાલુકા વિકાસ અધિકારી રાજીનામું મંજૂર કરશે કે નામંજૂર કરશે તે આગામી સમય જ કહેશે. રાજીનામાને કારણે નવા તર્ક -વિતર્કો શરૂ થયા છે.