(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧
રાહુલ ગાંધીની લોકસભામાં જાતિની કમેન્ટ પર કંગના રણૌતે કટાક્ષ કર્યો છે. કંગનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઇરલ થઈ રહી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, અનુરાગ ઠાકુરે લોકસભામાં મારું અપમાન કર્યું અને મને અપશબ્દો કહ્યા. હવે કંગનાએ તેમનો જૂનો વિડીયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પણ લોકોને જાતિ પૂછતા નજર આવી રહ્યા છે. કંગનાએ રાહુલ ગાંધી માટે લખ્યું કે તેમની જાતિની ખબર નહીં અને એવું લાગે છે કે પાસ્તામાં મીઠા લીમડાનો વઘાર કર્યો છે.
કંગના રણૌત રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી બાદ હવે પોલિટિકલ વિવાદ પર ખુલ્લીને પોસ્ટ કરે છે. તેણે તાજેતરની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે, પોતાની જાતિની ખબર નહીં, નાના મુસ્લમ, દાદી પારસી, માતા ખ્રિસ્તી અને પોતે એવું લાગે છે કે જાણે પાસ્તામાં મીઠા લીમડાનો વઘાર કરીને ખીચડી બનાવવાનો પ્રયાસ કર્યો હોય અને તેમને બધાની જાતિ જાણવી છે. કંગના એ આગળ લખ્યું કે તેઓ જાહેરમાં લોકોને આટલી ખરાબ રીતે તેમની જાતિ કેવી રીતે પૂછી શકે છે? રાહુલ ગાંધી પર શરમ આવે છે.કંગનાએ વિપક્ષનો બેવડો ચહેરો હેડિંગ આપીને બે પોસ્ટ કરી છે. એક પોસ્ટમાં રાહુલ ગાંધી બોલી રહ્યા છે કે આ રૂમમાં દલિત લોકો કેટલા છે? આ રૂમમાં ઓબીસી કેટલા છે? આ વિડીયો ઓક્ટોબર ૨૦૨૩નો છે. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૪ નો એક વિડિયો છે જેમાં રાહુલ ગાંધી એક રેલીમાં જાતિ વિશે વાત કરી રહ્યા છે. પછી એક વિડીયો અખિલેશ યાદવનો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેઓ ચીસો પાડીને કહી રહ્યા છે કે, તમે જાતિ કેવી રીતે પૂછી લીધી?
રાહુલ ગાંધીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુર પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે યુનિયન બજેટ સેશન દરમિયાન મને અપશબ્દો કહ્યા અને મારું અપમાન કર્યું. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જેમને પોતાની જાતિની ખબર નથી તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે. બાદમાં અનુરાગ ઠાકુરે સ્પષ્ટતા કરી હતી કે જેમને જાતિ અંગે ખબર નથી તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે. મેં કોઈનું નામ નહોતું લીધું.