પડધરીના ન્યારાના પાટીયા નજીક એક વાડીમાં સવારે અજાણ્યા સ્ત્રી-પુરૂષ બેભાન હોઇ અને તેણે ઝેર પીધું હોય તેવું જણાતું હોઇ ત્યાંથી નીકળેલા રાહદારીએ પડધરી પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. પડધરી પોલીસે તપાસ શરૂ કરતાં આપઘાત કરનાર યુવાન પાસેથી મળેલા મોબાઇલ, આધારકાર્ડ સહિતને આધારે તેની ઓળખ થતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ યુવાનનું નામ વિનોદભાઇ બાબુભાઇ જાવીયા (ઉ.વ.૩૭) હોવાનું અને તે અમરેલીના માચીયાળાનો વતની હોવાનું ખુલ્યું હતું. વિનોદભાઇની સાથે આપઘાત કરનાર મહિલા મુળ મધ્યપ્રદેશની હતી. તેણી થોડા વર્ષો પહેલા વિનોદભાઇની વાડીમાં જ પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી હતી. તેણીને ત્રણ સંતાન છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિનોદભાઇ અને પરિણીતા વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જો કે હાલમાં પરિણીતા તેના પરિવાર સાથે સાવરકુંડલા પંથકની વાડીમાં રહેતી હતી. ગત રાતે આ બંને ભાગી નીકળ્યા હતાં. આથી બંનેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બંનેએ રાજકોટના પડધરી પાસે સજોડે આપઘાત કરી લેતાં બંનેના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.