અમરેલી જિલ્લામાં અકસ્માતોની વણઝાર શરૂ જ છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉદયગઢ તાલુકાના મુન્નાકુવા તડવા ફળીયાના અને હાલ સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામે રહીને મજૂરી કરતાં ભંગડીબેન ગુલાબભાઈ સિગાંડ (ઉ.વ.૨૮)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના પતિ ૨૮/૧૦/૨૦૨૧ ના રોજ ગારીયાધારથી મોટરસાયકલ લઇને તેમના ભાણીયા પંકજભાઇ સાથે આવતા હતા. તેમના પતિ મોટરસાયકલ ચલાવતા હતા ત્યારે સાવરકુંડલા નાના ભમોદ્રા ચોકડી પાસે આવતા સામેથી અજાણ્યા ફોરવ્હીલ ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેના પતિને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ ફોરવ્હીલ ચાલક ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિ.એમ.જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.