દિવાળીના પર્વ ટાણે સુરત, અમદાવાદથી અનેક લોકો સૌરાષ્ટ્રમાં માદરે વતન આવ્યા છે. તાજેતરમાં લાઠીની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા ત્યારે લાઠી અને અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગોને ચકાચક કરવામાં આવ્યા હતા પરંતુ અંતરિયાળ ગામડાની સ્થિતિ હજુ ઠેરની ઠેર છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામને ચરખડીયા અને સાવરકુંડલા સાથે જોડતા બંને રસ્તા છેલ્લા કેટલાય સમયથી ખખડધજ બન્યા છે. આ અંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. દિવાળી પર સુરત, અમદાવાદથી મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હોવાથી હટાણું કે અન્ય કામકાજ અર્થે સાવરકુંડલા જવાનું થાય ત્યારે આ રોડ પરથી પસાર થતી વખતે જીવનું જોખમ રહે છે. આ રસ્તા પરથી રેતી ભરેલા ડમ્પર, લકઝરી બસ, એસટી બસની અવરજવર પણ રહે છે. આ બંને રસ્તાનું વહેલી તકે સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે.