ખાંભાના નાના બારમણ ગામે રહેતી એક યુવતી હટાણું કરવા જતી હતી ત્યારે ગામના બે યુવકો તેની પાસે આવ્યા હતા. જે પૈકી એકે બાથ ભરી બીભત્સ માંગણી કરી હતી. જે બાદ એટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. આ મુદ્દે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. બારમણ ગામે રહેતી યુવતીએ તેના જ ગામના ઘુસાભાઈ નાગર, જગદીશભાઈ નાગર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે બજારમાં હટાણું કરવા જતી હતી તે સમયે બંને આરોપી તેની પાસે આવ્યા હતા. જગદીશભાઈએ તેનો હાથ પકડ્‌યો હતો અને ઘુસાભાઈએ બીભત્સ માંગણી કરી હતી. ઉપરાંત એટ્રોસિટીની ખોટી ફરિયાદમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.
જે બાદ ઘુસાભાઈ નાગરે યુવતી, ભીખાભાઈ સોલંકી, દેવુબેન સોલંકી, ખોડાભાઈ સોલંકી સહિત નવ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઘુસાભાઈ તેમની પત્નીનું ડિલિવરીનું ફોર્મ ભરીને આવતા હતા ત્યારે માવો ખાવા દુકાને ઉભા હતા. તે સમયે યુવતી મોટે મોટેથી ગામ વિશે અપશબ્દો બોલતી હતી. જેથી તેમણે તમારે જેની સાથે અંગત વાંધો હોય તેને અપશબ્દો બોલવાનું રાખો તેમ કહેતા તને ગાળો આપી છે, જો તારૂ નામ જ લીધુ છે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેથી તે તથા તેના બાપુજી ઠપકો દેવા જતા તે દરમ્યાન ભીખાભાઇ સોલંકી રસ્તામાં દુકાને બેઠા હતા તેને ઠપકો આપતા હતા તે વખતે અન્ય આરોપીઓ આવી ગયા હતા અને તેમને તથા તેના પત્ની, બહેનને આડેધડ મૂઢમાર મારી ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.