ખાંભા તાલુકાના નાના બારમણ ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ મુદ્દે બે પક્ષોમાં બબાલ થઈ હતી. આ અંગે ગામમાં રહેતા અને સામાજીક કાર્યકર્તા જગદિશભાઈ મનુભાઈ નાગર (ઉ.વ.૨૨)એ અમુભાઇ લક્ષ્મણભાઇ નાગર, વિનુભાઇ લક્ષ્મણભાઇ નાગર, મધુભાઇ લક્ષ્મણભાઇ નાગર તથા ખીમજીભાઇ લક્ષ્મણભાઇ નાગર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત પ્રમાણે, જગદિશભાઈએ તેમના ગામની સરકારી જમીનમાં અમુભાઈએ બે વિઘા જમીનમાં દબાણ કર્યુ હોવા અંગે ગ્રામ પંચાયતમાં લેખિત ઠરાવ કર્યો હતો. જે અંગેનું મનદુઃખ રાખી તેમને ગાળો આપી મૂંઢ ઈજા કરી હતી. જે બાદ અમુભાઈ લક્ષ્મણભાઈ નાગર (ઉ.વ.૩૫)એ જગદિશભાઇ મનુભાઇ નાગર, ઘુસાભાઇ મનુભાઇ નાગર તથા મનુભાઇ નાગર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ જગદિશભાઈ તથા ઘુસાભાઈ મહિલાનો પીછો કરી ચેનચાળા કરતા હોવાથી તેમને ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું. તેમજ તેઓ જે સરકારી પડતર જમીનમાં વાવેતર કરતાં હતા તેનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ટી.મેર બંને કેસની તપાસ કરી રહ્યા છે.