ખાંભા તાલુકામાં તહેવારોની ઉજવણી દરમિયાન બે અલગ-અલગ ગામોમાં મારામારીની ઘટનાઓ બની છે, જેમાં બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે અન્ય શહેરોમાં રીફર કરવામાં આવ્યા છે. માલકનેશ ગામમાં સંજયભાઈ શામજીભાઈ જાદવ પર ઘાતક હથિયાર વડે હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત સંજયભાઈને પ્રથમ ૧૦૮ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં અને પછી ગંભીર સ્થિતિને કારણે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી ઘટનામાં નાગેશ્રી ગામના ૨૪ વર્ષીય રમેશભાઈ હરિભાઈ વાળા બાલાની વાવ નજીક રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. ૧૦૮ મારફતે તેમને રાત્રે રાજુલા લવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે.