જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે રહેતી એક મહિલાના ઘર પાસે બે લોકો ગાળો બોલતા હતા. જેથી તેણે ઘર પાસે ગાળો બોલાવાની ના પાડતાં મહિલાને કમરમાંથી પકડીને પીઠમાં હાથ ફેરવીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ સંદર્ભે દયાબેન રાજુભાઇ ગમારા (ઉ.વ.૨૬)એ રાજુભાઇ જેઠાભાઇ જોગદીયા તથા સંજયભાઇ જેઠાભાઇ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા રાત્રે આરોપીઓ તેમની ખડકી આગળ ગાળો બોલતા હતા. તેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં રાજુભાઈએ તેને કમરના ભાગેથી પકડી લીધી હતી અને પીઠમાં હાથ ફેરવવા લાગ્યો હતો. જે બાદ આરોપીઓએ પીઠમાં ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ગુનો નોંધી નાગેશ્રી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ.એમ.દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.