ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે.
નાગાલેંડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને સમગ્ર મામલે એસઆઇટીની રચના કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોન જિલ્લામાં થયેલ ઘટના અત્યંત નીંદનીય છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે ટિવટ કરીને કહ્યું કે નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગની ઘટનાથી ખૂબ વ્યથિત છું અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય એસઆઇટી આ ઘટનાની તપાસ કરીને ન્યાય આપવામાં આવશે.
નોંધનીય છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા. ઘટનાનાં સમાચાર ફેલાયા બાદ આખા વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે.રિપોર્ટ અનુસાર, એક હુપ્ત માહિતી પર કાર્યવાહી કરવા માટે સુરક્ષાદળોએ તિરુ-ઓટિંગ રોડ પર ઓચિંતો હુમલો કર્યો હતો. તે જ સમયે, તેમણે ભૂલથી ગ્રામવાસીઓને બળવાખોર તરીકે સમજી લીધા. ખરેખર, ઇનપુટમાં જે રંગની કાર બાબતે જણાવવામાં આવ્યું હતું, એ જ રંગની કાર ત્યાથી પસાર થઈ હતી. સૈનિકોએ કારને રોકવા માટે કહ્યું, પરંતુ તે રોકાઈ નહતી. આ પછી સુરક્ષાદળોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ પીડિત મજૂરો હતા, જેઓ કામ કર્યા બાદ પીકઅપમાં સવાર થઈને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઆૅ મોડી રાત સુધી ઘરે ન પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમને શોધવાનું શરૂ કર્યું અને પછી તેઓને આ ઘટના અંગે માહિતી મળી હતી. રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. ગુસ્સે થયેલા ટોળાને કાબૂમાં લેવા માટે જવાનોને પણ ઘણું મુશ્કેલીઓ પડી હતી.