વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીની કનેકટીવિટી પૂરી પાડતા અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યુ છે. તેની સાથે તેમણે ઇ-ટિકિટ લઈને અમદાવાદના મોટેરાથી
ગાંધીનગર સુધીની મુસાફરી પણ કરી છે. તેમણે ૨૧ કિ.મી.ના કોરિડોરને આ સાથે ખુલ્લો મૂક્યો છે.
આ ફેઝમાં મેટ્રોની કનેકટીવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ ૨૧ કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર ૧૬, સેક્ટર ૨૪ અને મહાત્મા મંદિર સુધી જશે.
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-૧ સુધીની ૩૩.૫ કિ.મીની મેટ્રો યાત્રા માત્ર ૬૫ મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર રૂ.૩૫ રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય ૮૦ મિનિટ જેટલો થાય છે જેનું ભાડું રૂ. ૪૧૫થી પણ વધારે થાય છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે.
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર ૧ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો ૧૬ સપ્ટેમ્બરે સેક્ટર-૧થી શુભારંભ કરાયો છે. મેટ્રો રેલવેનો બીજા તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેકટીવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત બનશે.