મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, નાગપુર જિલ્લાના નરખેડ તાલુકાના મોવડ ગામમાં નિવૃત્ત શિક્ષક વિજય પચૌરી તેમની પત્ની અને પુત્રો સાથે મૃત હાલતમાં મળી આવ્યા છે. પુત્રો દીપક અને ગણેશની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષની વચ્ચે છે. વિજયની પત્નીનું નામ માલાબાઈ છે.
પોલીસનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં ચારેયની સહી છે. એક પુત્ર ૩૮ વર્ષનો અને બીજા ૩૬ વર્ષનો હતો. બંનેએ હજુ લગ્ન કર્યા ન હતા. બંને તેમના માતા-પિતા સાથે રહેતા હતા. સહકારી મંડળીમાં પુત્ર સામે છેતરપિંડીનો કેસ થયો હતો. મધ્યપ્રદેશના પાંડુરાની કો-ઓપરેટિવ સોસાયટીની ફરિયાદના આધારે પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. તેને એક મહિના પહેલા જ જામીન મળ્યા હતા. આ સુસાઇડ નોટમાં પણ લખવામાં આવ્યું છે.
અગાઉ તાજેતરમાં જ દિલ્હીના રંગપુરી ગામમાં એક પરિવારના પાંચ સભ્યો તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે મૃતક, એક વ્યકતી અને તેની ચાર પુત્રીઓએ કથિત રીતે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું કે, પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી અને તેણે પોલીસને બોલાવી હતી, પોલીસને શંકા છે કે પિતાએ જ તેની પુત્રીને ઝેર આપ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ચારેય પુત્રીઓ શારીરિક રીતે અક્ષમ હતી. તેમની ઉંમર ૮ થી ૧૮ વર્ષની વચ્ચે હતી.
અગાઉ જુલાઈમાં નાગપુરમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. મૂળ કેરળનો રિજુ તેની પત્ની પ્રિયા નાયરના બ્લડ કેન્સરથી પરેશાન હતો. તેણે તેની ૧૧ વર્ષની પુત્રીને પણ ઝેર આપ્યું હતું. જાકે તેણી બચી ગઈ હતી. વ્યવસાયે ચિત્રકાર રિજુ શહેરમાં કમાણી કરી શકતો ન હતો. તેણે મોટાભાગનો સમય તેની બીમાર પત્ની સાથે પસાર કરવો પડતો.