કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવી રહી છે. તાજેતરમાં, કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે અમેરિકાએ પાકિસ્તાની આર્મી ચીફને તેના આર્મી ડે પરેડમાં આમંત્રણ આપ્યું છે. આ અંગે, કોંગ્રેસે ભારતની વિદેશ નીતિને સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી હતી. હવે ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને પાર્ટી પર તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

‘મુસ્લીમ લીગ અને જયરામ રમેશ વચ્ચે શું તફાવત છે?’ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે વાંચવાનું અને લખવાનું બંધ કરી દીધું છે. છેલ્લા ૨-૩ દિવસથી, સમગ્ર કોંગ્રેસ પાર્ટી કહેતી રહી કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અમેરિકા જઈ રહ્યા છે. આ પાકિસ્તાનની જાળ હતી. આજે એ વાત સામે આવી કે વ્હાઇટ હાઉસ કે યુએસ આર્મીએ ક્યારેય અસીમ મુનીરને આમંત્રણ આપ્યું નથી. પાકિસ્તાન મુસ્લીમ લીગ અને જયરામ રમેશ વચ્ચે શું તફાવત છે? બીજું, જ્યારે ૧૯૮૫માં કનિષ્ક બોમ્બ વિસ્ફોટ થયો હતો, ત્યારે કેનેડાએ તેની તપાસ ક્યારે શરૂ કરી? તે ૨૦૦૬માં શરૂ થયું. કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટીન ટૂડોના પિતા ૧૯૬૮ થી ૧૯૮૪ સુધી કેનેડાના વડા પ્રધાન હતા. ઇન્દીરા ગાંધીએ તેમને ૧૬ વર્ષ સુધી સાત પત્રો લખ્યા હતા, પરંતુ તેઓ તેમના પત્રોનો જવાબ આપતા નહોતા, તેમની વાત સાંભળતા નહોતા અને ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપતા હતા અને તમે અમને વિદેશ નીતિ શીખવી રહ્યા છો?

કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર પેલેસ્ટાઇનને ટેકો ન આપવાનો આરોપ લગાવ્યો હતો અને ભારતની વિદેશ નીતિની તીવ્ર ટીકા કરી હતી. આનો જવાબ આપતા, ભાજપના સાંસદે લખ્યું કે ‘૧૯૪૮માં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બે દેશ બન્યા. ૧૯૪૮માં, નેહરુજીએ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને ટેકો આપ્યો અને ઇઝરાયલનો વિરોધ કર્યો, પરંતુ ૧૯૫૦માં નેહરુજીએ ગુપ્ત રીતે મુંબઈમાં ઇઝરાયલનું ટ્રેડ ઓફિસ મિશન ખોલ્યું. ૧૯૫૩માં મુંબઈમાં ઈઝરાયલનું કોન્સ્યુલેટ જનરલ ખોલવામાં આવ્યું હતું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં, અમે ઈઝરાયલી હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને મોસાદે પણ તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ જેકબ સાથે મળીને પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

ભાજપ નેતાએ કહ્યું કે ‘૧૯૯૨માં દિલ્હીમાં પહેલું ઈઝરાયલી દૂતાવાસ ખોલવામાં આવ્યું હતું. ૧૯૯૬માં, પેલેસ્ટાઇનનું કાર્યાલય આખરે ભારતમાં ખુલ્યું. ૧૯૪૮ થી ૨૦૧૪ સુધી, જ્યાં સુધી તેમની સરકાર સત્તામાં હતી, ત્યાં સુધી અમે ૫૦ થી વધુ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈઝરાયલને ટેકો આપ્યો હતો અથવા અમે મતદાનથી દૂર રહ્યા હતા. આજે જ્યારે તમે પેલેસ્ટાઇન વિશે વાત કરો છો, ત્યારે શું તમને લાગે છે કે અમે હમાસને ટેકો આપીશું? ભારત પેલેસ્ટાઇનના નાગરિકો સાથે છે, અમે તેમને ૨૦૨૦ થી લગભગ ૨૦ કરોડ રૂપિયાની સહાય આપી છે. આ બજેટમાં પણ અમે પેલેસ્ટાઇન માટે ૩.૯ કરોડ રૂપિયા આપ્યા છે. દુબેએ કહ્યું કે ‘કોંગ્રેસની સમગ્ર વિદેશ નીતિ ફક્ત નેહરુ-પરિવાર કેન્દ્રિત હતી, જેનો બોજ દેશને ભોગવવો પડે છે. પ્રધાનમંત્રી મોદી વિદેશમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ સતત ય્૭ અને જી૨૦ પરિષદોમાં જઈ રહ્યા છે.’

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, ‘૨૦૦૮માં મુંબઈમાં વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૭૫ લોકો માર્યા ગયા હતા અને ૩૫૦ થી વધુ ઘાયલ થયા હતા. આ પછી પણ ભારતે હુમલો કર્યો ન હતો કારણ કે ૨૦૦૯ની ચૂંટણીઓ યોજાવાની હતી. શિમલા કરાર પછી પહેલીવાર જુલાઈ ૨૦૦૯માં અમેરિકા, સાઉદી અરેબિયા અને તમામ મુસ્લીમ દેશોના દબાણ હેઠળ ભારતે શર્મ અલ શેખ કરાર પર હસ્તાક્ષર કર્યા અને પહેલીવાર ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે સ્વીકાર્યું કે ભારતમાં આતંકવાદ અને પાકિસ્તાનમાં આતંકવાદ એક જ છે. કોંગ્રેસે આતંકવાદને ટેકો આપ્યો, ફક્ત વોટ બેંકની રાજનીતિ માટે પાકિસ્તાનને ટેકો આપ્યો અને ૨૦૧૧ માં શર્મ અલ શેખમાં આપેલા આ નિવેદન પછી, પાકિસ્તાને ૨૦૧૧ માં મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કર્યો જેમાં ફરીથી ૨૬ લોકો માર્યા ગયા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા. ૩૦૦ લોકો ઘાયલ થયા. કોંગ્રેસે ઇતિહાસમાંથી શીખવાની જરૂર છે.