” ધીમે ધીમે ચૂસકી ભરવાની…” સમીરે તેની પત્નીને સમજાવ્યું.
” અને એનાથી મને કંઈ થશે તો? ” સલમાએ મનમાં રહેલો ડર બતાવતા પૂછ્યું
” તો શું ” હું તને સંભાળી લઈશ.
              સલમાએ  જામ હોઠે લગાડ્યો; ઘૂંટડો લેતા લેતા એનો ચહેરો પસીનાથી રેબઝેબ થઇ ગયો. સમીરે પોતાનો  પેગ પુરો કરતા સલમાને કહ્યું, ” ડિયર સલમા, ટેક ઈટ… જલ્દી પુરો કર હજી તો આખી બોટલ પુરી કરવાની છે.”
            સલમાનો પ્યાલો ખાલી થતો ગયો એમ એમ એના મન પર   ચડેલા વરસો પણ ધીમે ધીમે ઓગળતાં ગયાં.
          સતત સાત દિવસ નવપરિણીત યુગલની જેમ આબુના પહાડ પરની રખડપટ્ટી અને રાત ઢળે એટલે શરાબના આગોશમાં મદભરી મહેફિલ માણીને આઠમે દિવસે ઘરે પાછા આવ્યા.
   ઘરે આવી ને સમીરે નોકરાણી ચંપાને બોલાવીને કહ્યું, તું ઘણી વખત કે છો ને, કે મારો પતિ દેશી બેવડો પીધા કરે છે. લે આ બોટલ તારા પતિ ને આપજે.
 ચંપા બાટલી સામું જોઈ રહી: “સા’બ આ બાટલી રે’વા દ્યો. મારો ધણી જ્યારે દારૂ પીવા બેસે છે, ત્યારે એકલો નથી પીતો. એના પાંચ-સાત ભેરૂઓને લઈને જ બેસે છે. અને અરધી રાત્રે મને ઊઠાડીને….પછી…” ચંપા નીચું જોઈ ગઈ. ઉપર જોયું ત્યારે એની આંખમાં આંસું હતા.
    સમીર મનોમન વિચારતો રહ્યો કે શરાબ એનો એ જ છે પણ વ્યક્તિ બદલાતાં નશો કેટલો બદલાઇ જાય છે.