નવિન પટનાઈક પવન ચામલિંગનો રેકોર્ડ ના તોડી શક્યા.
ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી)ની હાર સાથે નવિન પટનાઈકના યુગનો અંત આવી ગયો. સળંગ ૫ ટર્મ મુખ્યમંત્રીપદે રહેનારા પટનાઈક છઠ્ઠી ટર્મ જીતનારા પહેલા મુખ્યમંત્રી બનશે એવું લાગતું હતું પણ ભાજપે ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને નવિન પટનાઈકના સળંગ છઠ્ઠી વાર જીત મેળવવાના સપના પર પાણી ફેરવી દીધું.
ભારતમાં સળંગ સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ પવન ચામલિંગના નામે છે. પવન ચામલિંગ સિક્કિમના મુખ્યમંત્રી હતા અને સળંગ લગભગ ૨૫ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. એક્ઝેટ કહીએ તો પવન ચામલિંગ ૨૪ વર્ષ ને ૧૬૫ દિવસ સુધી સળંગ મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના પવન ચામલિંગ ૧૨ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ મુખ્યમંત્રી બનેલા અને ૨૦૧૯માં તેમની પાર્ટી હારી ગઈ ત્યાં સુધી એટલે કે ૨૬ મે, ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી હતા.
નવિન પટનાઈકની લોકપ્રિયતા જોતાં એ પવન ચામલિંગનો રેકોર્ડ તોડીને ભારતમાં સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરશે એવું લાગતું હતું પણ એવું ના થયું. નવિન પટનાઈક ૫ માર્ચ, ૨૦૦૦થી ૪ જૂન, ૨૦૨૪ સુધી મુખ્યમંત્રી રહ્યા છે.
નવિનનો કાર્યકાળ એ રીતે સળંગ ૨૪ વર્ષ ૯૧ દિવસનો છે. મતલબ કે, નવિને પણ ચામલિંગની જેમ સળંગ પાંચ ટર્મ તો પૂરી કરી પણ તેમનો કાર્યકાળ ચામલિંગ કરતાં ત્રણ મહિના ઓછો રહ્યો છે. પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુ સૌથી લાંબો સમય રહેનારા મુખ્યમંત્રીઓની યાદીમાં ત્રીજા નંબરે છે. સીપીએમ એટલે કે માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીના જ્યોતિ બસુ ૨૧ જૂન, ૧૯૯૭થી ૫ નવેમ્બર ૨૦૦૦ સુધી એટલે કે ૨૩ વર્ષ ૧૩૭ દિવસો માટે મુખ્યમંત્રી હતા.
પવન ચામલિંગ અને નવિન પટનાઈક બંને ચૂંટણીમાં હાર સાથે વિદાય થયા જ્યારે બસુ વચ્ચેથી જ ખસી ગયા હતા. બસુએ સીપીએમના બુધ્ધદેબ ભટ્ટાચાર્યને મુખ્યમંત્રીપદ સોંપીને ગાદી છોડી દીધી હતી. જ્યોતિ બસુએ ૧૯૭૭થી શરૂ કરીને ૨૦૦૦માં એ રિટાયર્ડ થયા ત્યાં સુધીમાં સીપીએમને સળંગ પાંચ વાર સ્પષ્ટ બહુમતીથી જીત અપાવીને ડાબેરી મોરચાની સરકાર રચી હતી.
બસુની વિદાય પછી સીપીએમ વધુ બે ટર્મ માટે જીતી એ જોતાં બસુએ ધાર્યું હોત તો ગાદી પર ટકી રહી શક્યા હોત. બીજાં ૧૧ વર્ષ રાજ કરીને એ ૩૫ વર્ષ સુધી મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ બનાવી શક્યા હોત કેમ કે બસુ સામે તેમના પક્ષમાં કોઈ પડકાર જ નહોતો. તેના બદલે તેમણે ૨૩ વર્ષ સળંગ રાજ કર્યા પછી ગૌરવભેર ખસી ગયા અને હારની નાલેશીમાંથી બચી ગયા.
સળંગ ૨૦ વર્ષ કે વધારે ટકનારા ચોથા મુખ્યમંત્રી માણિક સરકાર છે. ત્રિપુરામાં માણિક સરકારે પણ ૫ વર્ષની સળંગ ૪ ટર્મ પૂરી કરી હતી. ત્રિપુરામાં માર્ચ, ૨૦૧૮માં ભાજપની સરકાર આવી ત્યાં સુધી સીપીએમના માણિક સરકાર મુખ્યમંત્રી હતા. ત્રિપુરામાં ૧૯૯૩થી સીપીએમનું શાસન હતું પણ ૧૯૯૩થી ૧૯૯૮ સુધી દશરથ દેબ મુખ્યમંત્રી હતા. ૧૯૯૮માં ફરી સીપીએમની સરકાર આવી ત્યારે માણિક સરકાર મુખ્યમંત્રી બન્યા અને ભાજપ સામે હારીને ઘરભેગા થયા ત્યાં સુધી સળંગ ૧૯ વર્ષ ને ૩૬૩ દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા.

ભારતમાં સળંગ ૨૦ વર્ષ શાસન કરનારા ચારેય મુખ્યમંત્રી બિન ભાજપ, બિન કોંગ્રેસી છે.
ભાજપ અને કોંગ્રેસમાંથી સૌથી વધુ સળંગ શાસન કોણે કર્યું ?
ભાજપમાં આ સિદ્ધિ છત્તીસગઢના ડો. રમણસિંહના નામે છે. ડો. રમણસિંહ ૨૦૦૩થી ૨૦૧૮ દરમિયાન સળંગ ૧૫ વર્ષ અને ૧૦ દિવસ માટે મુખ્યમંત્રીપદે રહ્યા હતા. ભારતમાં બહુ ઓછા મુખ્યમંત્રી એવા આવ્યા કે જેમણે પાંચ વર્ષની સળંગ ત્રણ ટર્મ પૂરી કરી હોય.
ડો. રમણસિંહ આ સિદ્ધિ મેળવનારા દેશના દસમા ને ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. ડો. રમણસિંહ જે રીતે જામેલા હતા તે જોતાં ઘણાંને એવું લાગતું હતું કે, રમણસિંહ દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારા મુખ્યમંત્રીનો રેકોર્ડ તોડી દેશે પણ ૨૦૧૮ની ચૂંટણીમાં હાર સાથે એ ફેંકાઈ ગયા ને ફરી તક જ ના મળી.
કોંગ્રેસમાંથી સળંગ સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો રેકોર્ડ દિલ્હીનાં શીલા દિક્ષીતના નામે છે. શીલા દિક્ષીત ૩ ડિસેમ્બર, ૧૯૯૮થી ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ સુધી સળંગ ૧૫ વર્ષ અને ૨૫ દિવસ માટે મુખ્યમંત્રીપદે રહ્યાં. દેશમાં મુખ્યમંત્રીપદે સળંગ નહીં પણ ત્રણ ટર્મ પણ પૂરી કરનારાં શીલા દિક્ષીત એકલાં મહિલા મુખ્યમંત્રી છે. મમતા બેનરજી અત્યારે સળંગ ત્રીજી ટર્મ માટે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી છે તેથી કદાચ આ રેકોર્ડ તોડશે.
કોંગ્રેસમાંથી બિહારના શ્રીકૃષ્ણ સિંહા પણ ૧૯૪૬થી ૧૯૬૧ સુધી સળંગ ત્રણ ટર્મ માટે મુખ્યમંત્રી હતા પણ તેમની પહેલી ટર્મ અંગ્રેજોના શાસન વખતે શરૂ થયેલી. સિંહા ૧૫ વર્ષમાં ત્રણેક ઓછા મહિના માટે મુખ્યમંત્રી રહેલા.

દેશના ત્રણ મુખ્યમંત્રી એવા છે કે જે સળંગ નહીં પણ ટુકડે ટુકડે ૨૦ વર્ષથી વધારે સમય મુખ્યમંત્રીપદે રહ્યા હોય.
આ યાદીમાં પહેલું નામ ગેગોંગ અપાંગનું આવે. અપાંગ બે વાર અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. પહેલી વાર એ ૧૮ જાન્યુઆરી, ૧૯૮૦થી ૧૯ જાન્યુઆરી, ૧૯૯૯ સુધી એટલે કે સળંગ ૧૯ વર્ષ ગાદી પર રહ્યા. એ પછી લગભગ ચાર વર્ષનો વનવાસ વેઠીને ૩ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ ફરી મુખ્યમંત્રી બન્યા ત્યારે સાડા ત્રણ વર્ષ રહ્યા. કુલ મળીને તેમણે ૨૨ વર્ષ ૨૫૦ દિવસ મુખ્યમંત્રીપદે કાઢ્યા. અપાંગનો કાર્યકાળ માણિક સરકાર કરતા લાંબો છે પણ માણિકદાની જેમ સળંગ ચાર ટર્મ પૂરી નથી કરી શક્યા.
આ યાદીમાં બીજું નામ મિઝોરમના લાલ થાનવાલાનું છે. લાલ થાનવાલા પણ ટુકડે ટુકડે ૨૨ વર્ષ અને ૬૦ દિવસ ગાદી પર રહ્યા. પહેલી વાર ૧૯૮૪માં મુખ્યમંત્રી બનેલા થાનવાલાએ બે વાર પાંચ-પાંચ વર્ષની બે ટર્મ પૂરી કરી છે. મતલબ કે લાલ થાનવાલા બે વાર સળંગ ૧૦ વર્ષ માટે મુખ્યમંત્રીપદે રહ્યા છે.
આ યાદીમાં ત્રીજું નામ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના વીરભદ્રસિંહનું છે. વીરભદ્રસિંહ ચાર વાર મુખ્યમંત્રી બન્યા અને ૨૧ વર્ષ ૧૩ દિવસ માટે મુખ્યમંત્રીપદે રહ્યા. આ પૈકી પહેલી વાર સળંગ ૭ વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા જ્યારે એ પછી પાંચ-પાંચ વર્ષની ત્રણ ટર્મ અલગ અલગ વખતે પૂરી કરી.

દેશમાં ટુકડે ટુકડે ૧૫ વર્ષથી ૨૦ વર્ષના ગાળા માટે મુખ્યમંત્રીપદે રહેનારા નેતાઓની યાદી તો બહુ લાંબી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ યાદીમાં આવે જ છે. નીતિશ ૨૦૦૫થી બિહારના મુખ્યમંત્રી છે. વચ્ચે જીતનરામ માંઝી સવા વરસ માટે મુખ્યમંત્રી બન્યા તેને બાદ કરતાં નીતિશ જ બિહારની ગાદી પર બેઠા છે. નીતિશને મુખ્યમંત્રીપદે ૧૭ વર્ષ અને ૧૦ મહિના થઈ ગયા છે.
તમિલનાડુના કરૂણાનિધી, પંજાબના પ્રકાશસિંહ બાદલ અને હિમાચલ પ્રદેશના યશવંતસિંહ પરમાર હજુ નીતિશથી આગળ છે. કરૂણાનિધી ૧૯૬૯માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા પછી કુલ ચાર વાર મુખ્યમંત્રી બન્યા ને ૧૮ વર્ષ ને ૩૬૨ દિવસ એટલે કે લગભગ ૧૯ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. કરૂણાનિધીએ મુખ્યમંત્રીપદે ત્રણ ટર્મ અલગ અલગ સમયે પૂરી કરી હતી. અકાલી દળના પ્રકાશસિંહ બાદલ ચાર વાર મુખ્યમંત્રી બન્યા. કુલ ૧૭ વર્ષ ૩૫૦ દિવસ મુખ્યમંત્રીપદ ભોગવનારા બાદલ ૧૯૭૦માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા. બાદલે એક વાર પાંચ વર્ષની ટર્મ પૂરી કરેલી જ્યારે એક વાર સળંગ ૧૦ વર્ષ માટે મુખ્યમંત્રીપદે રહેલા.
હિમાચલ પ્રદેશના કોંગ્રેસના યશવંતસિંહ પરમાર પણ ૧૮ વર્ષ અને ૮૩ દિવસ મુખ્યમંત્રી રહ્યા છે. ૧૯૫૨માં પહેલી વાર મુખ્યમંત્રી બનેલા પરમારે પણ સળંગ ત્રણ ટર્મ પૂરી કરેલી. ૧૯૬૩થી ૧૯૭૭ લગી સળંગ ત્રણ ટર્મ માટે એ મુખ્યમંત્રી હતા.
નરેન્દ્ર મોદી ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ભાજપને સળંગ ત્રણ ચૂંટણી જીતાડી હતી. ૨૦૧૪માં વડાપ્રધાન બનતાં તેમણે ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડવું પડ્‌યું ને સળંગ ત્રીજી ટર્મ પૂરી ના કરી.
મોદીએ એનડીએને પણ સળંગ ત્રણ વાર જીત અપાવી છે ત્યારે વડાપ્રધાનપદે પોતાની ત્રીજી ટર્મ પૂરી કરી દેશે એવું લાગે છે.