અમદાવાદનાં નવા વાડજ વિસ્તારમાં એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. નવા વાડજમાં એએમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ એકાએક ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે આવી જતાં ૩૦ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં દીવાલ ન હટાવ્યાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ દીવાલ પડતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે.કાટમાળ નીચે આવી યુવક પિયૂષ ભરવાડનું મોત થયું છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્રની ટીમ અને પોલીસ ટીમ ત્યાં આપી પહોંચી છે અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જા કે, બીજી તરફ સ્થાનિકો દ્વારા તંત્રની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.આરોપ અનુસાર, અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં વર્ષો જૂની જર્જરિત દીવાલ હટાવવામાં ન આવતા તે તૂટી પડી અને યુવકનું મોત નીપજ્યું છે. તંત્રની બેદરકારીએ યુવકનો ભોગ લીધો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. મૃતક યુવકના પરિવારજનો અને રહીશોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરી ન્યાયની માગ કરી છે. રહીશોએ જણાવ્યું કે, અગાઉ પણ દીવાલ પડતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે ગંભીરતા સમજી કાર્યવાહી કરવામાં આવી નહોતી.