મોહિતભાઇ ઓફિસમાં છે, ઓફિસ છૂટવાનો ટાઇમ થઇ ગયો છે. આજે તેમને એક ફેમિલી ફંકશનમાં જવાનું છે. ઘરે જવાની ઉતાવળ છે. એ જ સમયે નવું કામ આવે છે. મોહિતભાઇ કાર્યદક્ષ કર્મચારી છે અને ના નહી કહે એ બધાને ખબર છે. એટલે તેમના ભાગે કામની જવાબદારી આવે છે. એક તો ઘરે જવાની ઉતાવળ અને ઉપરથી કામ… મોહિતભાઇ ખરેખર ટેન્શનમાં છે. ના નથી કહી શકતા એટલે કામ પતાવે છે. તેમાં વહેલા ઘરે જવાની બદલે રોજના કરતા પણ કલાક મોડા પડે છે. ઘરના સભ્યોની નારાજગી સહન કરવી પડે છે. જેમ તેમ કરીને ફેમિલી ફંકશનમાં પહોંચે છે, તો મોડા પડવા બદલ કુટુંબીજનોનું સાંભળવું પડે છે. બીજા દિવસે બોસનો ઠપકો મળે છે. કારણકે ઉતાવળથી કામ પતાવવામાં એક નાનકડી ભૂલ રહી ગઇ છે. મોહિતભાઇને થાય છે .. કાશ… કામ કરવાની ના પાડી દીઘી હોત તો….
       મિનાક્ષીબેન એપાર્ટમેન્ટમાં બઘાના માનીતા છે. કારણ કે… એપાર્ટમેન્ટના બઘા લોકોને મદદ કરે છે. સિઝનના કામ કરવા, અથાણા પાપડ બનાવવા, મીઠાઇ બનાવવી.. જેવા કામ માટે બધા મિનાક્ષીબેનને મદદ કરવા બોલાવે છે. મિનાક્ષીબેન પોતાના ઘરનું કામ પડતું મુકીને પણ જાય છે. પણ આજે તેમના ઘરે મહેમાન આવવાના છે.. તેમણે ઘરમાં નવી વસ્તુ ગોઠવી છે. ત્યાં બાજુવાળા બેન પોતાના ત્રણ વર્ષના અને છ વર્ષના બે દીકરાઓને તેમને ત્યાં મૂકીને પિકચર જોવા જાય છે. મિનાક્ષીબેન ના નથી કહી શકતા અને બાળકો બે કલાકમાં તો ઘરમાં ઉથલપાથલ કરી નાખે છે. મહેમાન આવે છે ત્યારે ગોઠવેલી બધી વસ્તુ આડીઅવળી થઇ ગયેલી હોય છે. ડાઇનીંગ ટેબલ પર ઢોળાયેલું દૂધ, સોફા પર વેરાયેલો નાસ્તો, ફર્શ પર ચોકલેટના રેપર અને રમકડાંનો ઢગલો… મહેમાન પર મિનાક્ષીબેનની છાપ ઉંઘી પડે છે. માત્ર ના પાડતાં ન આવડયું એટલે… બાળકોને સાચવવાની ના પાડી હોત તો આવું ન થાત….
       સોના કોલેજ ગર્લ છે. સવારે કોલેજ જતી વખતે દસ-પંદર મિનિટ તેના બોયફ્રેન્ડને મળે છે. એકવાર તેના બોયફ્રેન્ડને સાંજે મળવાનું કહ્યું. કયારેય કોઇ વાત માટે ના નહી પાડતી સોના ત્યારે પણ ના ન કહી શકી. પણ સાંજે તે જઇ શકી નહી અને તેના બોયફ્રેન્ડને રાહ જોવી પડી એટલે નારાજગી સહન કરવી પડી. કારણ એક જ કે તેણે કયારેય ના નથી કહી.
     આવુ તો ધણીવાર આપણી સાથે થાય છે. સંબંધમાં- લાગણીમાં આવીને આપણે ના કહી શકતા નથી અને છેવટે હેરાન થઇએ છીએ. પછી આપણને આપણી જાત પર જ ગુસ્સો આવે કે એકવાર ના પાડી દીઘી હોત તો આવો સમય ન આવત. પણ આપણને ના પાડતા આવડતી જ નથી.
      નવુ વર્ષ શરૂ થઇ રહ્યુ છે. નવું વર્ષ એટલે નવી આશા, નવા પડકારો, નવા સંકલ્પ સાથે આવનારા નવા સમયને આવકારવાનો અવસર. દર વર્ષે લોકો કોઇને કોઇ સંકલ્પ કરતા હોય છે. તમે પણ ઘણા સંકલ્પ કર્યા હશે, પણ આજે વાત કરવી છે એક અલગ પ્રકારના સંકલ્પની.. આ સંકલ્પ છે…’ના’ કહેવાની ટેવ પાડો…
    સામાન્ય રીતે ‘હા’ એટલે હકારાત્મકતા અને ‘ના’ એટલે નકારાત્મકતા… એવી સાદી સમજ છે. પણ જીવનના અનેક પ્રસંગોએ ‘ના’ કહેવાના પણ ફાયદા છે. કુદરત દરેક સમયે નવીનવી ચેલેન્જ આપે છે. જો ચેલેન્જ સમજવામાં થાપ ખવાય જાય અને ખોટી ‘હા’ પડાય જાય તો જિંદગી ઝેર બની જાય છે. કાયમ સારૂં સારૂં જ બોલવાવાળા લોકો મારી વાત સાથે સહમત નહી થાય. ઘણા લોકો એ સ્વીકારશે જ નહી કે ‘ના’ કહેવાના ફાયદા છે. પણ એ વાત સાચી છે કે અમુક પ્રસંગે ‘ના’ કહેવાનું પણ મહત્વ છે. તમારી એક ‘ના’ તમને અનેક મુશ્કેલીથી બચાવી શકે છે. પણ ‘ના’ પાડવા માટે હિંમત જોઇએ.
     તમારો સમય બગાડતા, તમારી ઉપર હક્ક કરીને જવાબદારી સોંપી દેતા લોકોને પ્રેમથી કે મોટેથી ‘ના’ પાડતા શીખો. સંબંધ બગડવાના ડરથી આપણે આવા લોકોને સહન કરતા હોઇએ છીએ. પણ એકવાર ‘ના’ કહેતા શીખી જશો તો લાંબાગાળે ફાયદો જ છે, નુકસાન તો નથી જ…
      ‘ના’ કહેવી એ એક કળા છે, આ કળા બધામાં નથી હોતી. આડેધડ ના કહેવાથી ખરાબ પરિણામ આવી શકે છે. સમય અને સંજોગો તપાસ્યા વગર ‘ના’ કહી દેવાય તો નુકસાન જ થશે. શરૂઆતમાં તમને ‘ના’ કહેવી ગમશે નહી, થોડો ખચકાટ થશે, પણ થોડી કોશિશ કરવાથી તમે વગર માગ્યે આવી જતા કામને સરળતાથી ના કહી શકશો. બસ… આ માટે થોડી વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.
     તમારી ના કે ઇનકાર સામેવાળી વ્યકિતના અહમ પર ચોટ કરે તેવી ન હોવી જોઇએ. ‘ના’ વિનમ્રતાથી ભરેલી અને તદન સાહજીક હોવી જોઇએ. તોછડાયથી કહેલી ‘ના’ સામેવાળાના મનમાં તમારા માટે નેગેટીવ વિચાર જન્માવી દે છે. તમારાથી નારાજ થવાનું બહાનું મળી જાય છે. ‘ના’ કહેનાર વ્યકિત પર બળવાખોરનું લેબલ બહુ જલ્દી અને સરળતાથી લાગી જતું હોય છે. લોકો સહજતાથી તેને બળવાખોર તરીખે માનવા લાગે છે. સમાજનો સીધો સાદો રિવાજ છે કે બધાને પોતાની વાત સાથે સહમત થનાર કે પોતાનું કામ કરી આપનાર વ્યકિત જ પસંદ હોય છે. કોઇને ઇનકાર પસંદ નથી. તમે ‘ના’ કહો ત્યારે તમારી ના સામેના માણસને ગુસ્સો અપાવે એ પણ શકય છે. આ માટે બધો આધાર તમારી ‘ના’ કહેવાની સ્ટાઇલ પર છે.
      સૌથી જરૂરી વાત એ છે કે ‘ના’ કહ્યા પછી કયારેય પણ ખુલાસો આપવા બેસવું નહી. તમને ઈનકાર બદલ અફસોસ છે તે વાતનો અહેસાસ પણ સામેની વ્યકિતનો ગુસ્સો બમણો કરી નાખશે. એ જ રીતે ના કહ્યા પછી વાત બદલી નાખવી  તમે માફી માગીને વાત આગળ વધારશો તો તમને વધુ નબળા પાડી દેશે. જરૂરી નથી કે તમારી દરેક શરૂઆતને દુનિયા સ્વીકારી લે. દરેક સમયે તમારે ટીકાનો સામનો કરવો પડશે. બધી જ પરિસ્થિતિનો સામનો કરીને તમે આગળ વધજો તો જ તમારી ‘ના’ કહેવાની ટેવ ઘીમેઘીમે લોકો સ્વીકારતા થશે.
     કેટલાક લોકો ખૂબ જ ચતુરાઇપૂર્વક ‘ના’ કહેતા હોય છે. દરેક ‘ના’ નું કારણ કામનો થાક નથી હોતો. કયારેક ના કહેવાની આદત પડી ગઇ હોય છે. જો કે કેટલાક લોકો ખરેખર ‘ના’ નહીં કહી શકવાને કારણે ફસાઇ જતા હોય છે. કયાંક સામેવાળી વ્યકિતને ખરાબ ન લાગી જાય, કયાંક કોઇની લાગણીને ઠેસ ન પહોંચે અથવા તો કયાંક પોતાના માટે કોઇ સમસ્યા ઊભી ન થાય એ વિચારીને ‘ના’ કહેતા ડરે છે, પણ ખરેખર તો ‘ના’ કહેવાનો આનંદ માણવા જેવો છે.
    એકવખત ના કહી જોવો … તમારો સ્ટ્રેશ, હતાશા, ડિપ્રેશૉ દૂર થઇ જશે. દરેક વાતમાં હા કહેનાર વ્યકિત કયારેક કામનો બોજ વઘી જતા ચિંતા અને તણાવના ભાર નીચે દબાઇ જાય છે. આવી વ્યકિતને ખાસ સલાહ કે એક વખત ‘ના’ કહેવાની શરૂઆત કરો. એવું નથી કે બધા કામ માટે ના કહો, એ તો જવાબદારીમાંથી છટકવા જેવું છે. પણ જયાં એવું લાગે કે ‘હા’ પાડવાથી મુશ્કેલી ઊભી થાય તેમ છે અથવા તમારૂં કામ બગડે તેમ છે અથવા કામ કર્યા પછી તમારા કામની કદર નથી, તો ત્યારે ‘ના’ પાડતા શીખી જાવ.
     તમારી નવી આદત તમારા જીવનમાં આશ્ર્ચર્યજનક પરિવર્તન લાવશે. કામના ભારથી છુટી શકાશે. તમારી જાતને મુકત અનુભવી શકશો. કયારેક ‘ના’ કહેવું પણ આશીર્વાદરૂપ હોય છે. તો ચલો… નવા વર્ષની નવી આદત… ‘ના’ કહેતા શીખો…..