આ સાથે કોલમના ૩૦૦ હપ્તા પૂરા થયા છે. કોલમને
ઉત્કૃષ્ટ બનાવવામાં જેમનો સિંહફાળો છે એવા સંજોગ ન્યૂઝ પરિવાર, શુભેચ્છકો, વાચકો અને પ્રશ્નકર્તાઓનો ખૂબ ખૂબ આભાર!
(૧) મારો સુપુત્ર હું કહું એનાથી ઊંધું જ કરે છે. એમ કેમ હશે? રામભાઈ પટેલ (સુરત)
એના મમ્મીની નકલ કરતો હશે.
(૨) નવા વર્ષમાં એક સંકલ્પ લેવો છે. ક્યો લઉ?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
એ સંકલ્પ લ્યો કે દર વર્ષે આ એકનો એક સવાલ નહીં પૂછું.
(૩) આતા..આપા..આકા .. તફાવત જણાવશો.
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
બા.. આઈ.. માપ
(૪) ગાંધીજીના ત્રણ વાંદરા ક્યારે પાછા આવશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
તમારી જેમ ઘણાં એ જાણવા વાંદરાનો સંપર્ક કરવા પ્રયાસ કરે છે પણ વાંદરા મેસેજ વાંચતા નથી. ફોન ઉપાડતા નથી અને જવાબ આપતા નથી.
(૫) ઉઘરાણીવાળા યાદ કરે ત્યારે હેડકી આવે?
હરેશભાઈ પાનસુરીયા (રાજકોટ)
મેં આજે સવારે આઠ વાગે તમને યાદ કર્યા હતા. તમને હેડકી આવી હતી?!
(૬) સાહેબ! બસ કે ટ્રેન સમયસર ના આવતી હોય તો ટાઈમટેબલ કેમ બનાવતા હશે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ટાઇમટેબલ વિના કેમ ખબર પડે કે બસ મોડી છે?!
(૭) વરસાદની જેમ રોડ પરના ખાડાની પણ આગાહી ના થઈ શકે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
વરસાદનું એવું ન કહી શકાય પણ ખાડામાં આગાહી થઈ શકે કે પડશે, પડશે અને પડશે જ!
(૮) તમે દરેક સવાલના જવાબો ટૂંકમાં પતાવો છો તો તમે બટકબોલો વાર્તા વાંચી છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
બટકબોલો પોતે આવીને મને પોતાની વાર્તા કહી ગયો હતો!
(૯) પ્રેમિકાને પત્નીની વાત કહી શકાય છે પણ પત્નીને પ્રેમિકાની વાત કેમ કરી શકાતી નથી ?
જીગર આહીર (દાત્રાણા પાટણ)
આ તમે નવું લઈ આવ્યા. અમારે આ બાજુ તો પત્ની અને પ્રેમિકા બન્ને સાથે મળીને પતિ અને પ્રેમીની વાતો કરે.
(૧૦) સાહેબ આ અંધ ભકતોની આંખો ક્યારે ખુલશે?
વિપુલ સારીખડા (અમરેલી)
એની ખુલે ત્યાં સુધી તમે બંધ રાખો.
(૧૧) આ વખતે દશેરાને ગાંધી જયંતી એક જ દિવસે આવ્યા. એક રજાની ખોટ ગઈ. હવે શું કરવું?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
કાં રાવણની જેમ યુધ્ધ કરીને અથવા ગાંધીજીની જેમ ઉપવાસ કરીને વિરોધ નોંધાવો.
(૧૨) વાવાઝોડા અને વરસાદની આગાહી અંબાલાલ પછી કોણ આપશે? મુસ્તુફા કનોજિયા (રાજુલા) સરકાર નવી ભરતી કરશે!
(૧૩) ગ્રુપમાં ગરબે રમવાની આખરી ઉંમર કેટલી ?
કનુભાઈ પરમાર (દામનગર) ગરબા લેતી વખતે બાજુમાંથી કોઈ દૂર જઈને ગરબા લેવા માંડે તો સમજવું કે હવે ગરબા બંધ કરવાનો સમય આવી ગયો છે.
(૧૪) બુધ્ધિનો ઉપયોગ કોણ કરે છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
આ કોલમમાં સવાલ પૂછનારા.
(૧૫) ગરજે ગધેડાને બાપ કહેવો પડે તો ગરજે મા કોને કહેવાય? રક્ષિત વોરા (ગાંધીનગર)
ગધેડો સિંગલ પેરેન્ટ છે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..