જયેશ રાદડીયા, ડો.દર્શીતા શાહ, મુળુભાઇ બેરા, કિરીટસિંહ રાણા, જીતુભાઇ વાઘાણી, પ્રકાશ વરમોરા, પુરૂષોત્તમ સોલંકી, ડો.મહેન્દ્ર પાટલિયા, સંજય કોરડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા, પ્રદ્યુમનસિંહ જોડેજો, રાઘવજીભાઇ પટેલ, મહેશ કસવાલ અને ભગાભાઇ બારડના નામો ચર્ચામાં આગામી સોમવારે નવી સરકારની શપથવિધી યોજોવાની છે. નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપના પ્રતિક પરથી જીતેલા ૧૪ નેતાઓને મજબૂત દાવેદારો માનવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રને ૭ થી ૮ મંત્રીઓ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જે પૈકી બે મંત્રીઓને કેબિનેટનો દરજ્જા અપાશે. જ્યારે પાંચ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.
૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં માત્ર ૨૩ બેઠકો મળી હોવા છતા મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે. મંત્રી મંડળમાં પણ હવે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળશે. જેતપુર-જોમ કંડોરણા બેઠક પરથી સતત જીતી રહેલા કદાવર ખેડૂત નેતા જયેશભાઇ રાદડીયાનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. વર્ષોથી ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં રાજકોટ શહેરને સ્થાન મળતું રહ્યું છે. આ વખતે પણ ભાજપ શહેરની ચારેય બેઠકો જીત્યું છે. સૌથી વધુ લીડ સાથે રાજકોટ પશ્ર્‌ચિમ બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ વિજેતા બન્યા છે. રાજકોટ શહેરને મંત્રી પદ આપવામાં આવશે તો તેઓનું નામ હાલ સૌથી વધુ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી ડો.મહેન્દ્રભાઇ પાડલિયા અને કુંવરજીભાઇ બાવળીયાનું નામ પણ ચર્ચાય રહ્યું છે પણ તેઓને મંત્રી પદ મળવાની સંભાવના નહિવત છે.
આ ઉપરાંત નવી સરકારમાં કિરીટસિંહ રાણા, જીતુભાઇ વાઘાણી અને રાઘવજીભાઇ પટેલને ફરી મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. આ ત્રણેય સિનિયર નેતાઓ પૈકી કોઇપણ બે ને કેબિનેટ મંત્રી ભાજપ બનાવી શકે છે. રાજ્ય સરકારમાં અગાઉ મંત્રી રહી ચૂકેલા મુળુભાઇ બેરા પણ નવી સરકારનો ચહેરો બની શકે છે. મોરબી જિલ્લામાંથી પ્રકાશભાઇ વરમોરાને મંત્રી પદની લોટરી લાગી શકે છે. ભાવનગર ગ્રામ્યમાંથી વિજેતા બનેલા કોળી સમાજના કદાવર નેતા પુરૂષોત્તમભાઇ સોલંકીનું મંત્રી મંડળમાં સ્થાન નિશ્ર્‌ચિત માનવામાં આવી રહ્યું છે. જો કોઇ કારણોસર તેઓને મંત્રી મંડળમાં ન લઇ શકાય તે તેમના ભાઇ હિરાભાઇ સોલંકીને મંત્રીપદ આપવામાં આવશે. તે નિશ્ર્‌ચિત છે. જૂનાગઢ શહેરને વર્ષોથી રાજ્ય સરકારમાં મંત્રીપદ મળ્યું નથી. આવામાં સંજયભાઇ કોરડીયાનું નામ પણ ચર્ચાય રહ્યું છે. બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પરથી વિજેતા બનેલા શંભુપ્રસાદ ટુંડિયાને મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક પરથી જીતેલા મહેશ કસવાલાને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી જોહેર થયા બાદ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળેલા અને તાલાલા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભગાભાઇ બારડ પણ નવા મંત્રી મંડળનો ચહેરો બની શકે છે.
વિધાનસભાની કુલ બેઠકના ૧૫ ટકા સુધી મંત્રી મંડળ બનાવી શકાય છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો છે. મુખ્યમંત્રી સહિત કુલ ૨૭ મંત્રીઓને સ્થાન આપી શકાય તેમ છે. આ વખતે ચારેય ઝોનમાંથી ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે. આવામાં તમામ ઝોનને ન્યાય આપવો પડશે. જો કે જે ધારાસભ્ય મંત્રી બનવા માટેની તમામ લાયકાતો ધરાવતા હોય છતાં કોઇ કારણોસર તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય તેમ ન હોય તેઓને સંસદીય સચિવ બનાવી દેવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.