આજના કમરતોડ મોંઘવારીના સમયમાં અનેક લોકો ઘરના ઘરનું સપનું જોતા હોય છે અને આ માટે તેઓ લોન પણ લેતા હોય છે. જોકે ઘણી વખત આર્થિક તંગીના કારણે લોનનો હપ્તો ભરી નથી શકતા. બગસરાના નવા પીપરીયા ગામે રહેતા એક યુવકે સુરતમાં મકાન ખરીદ્યું હતું. જેના લોનના હપ્તાની ચિંતામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે રમેશભાઇ અરજણભાઇ પેથાણી (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર ભાવેશભાઈ પેથાણી (ઉ.વ.૩૨)એ સુરત મુકામે મકાન લીધું હતું. જેની લોન ચાલુ હતી અને હાલ હીરામાં કોઈ ધંધો નહોતો તથા દિવાળીના તહેવારમાં લોનનો હપ્તો ભરવાનો થતો હતો. જેની ચિંતા કોરી ખાતી હતી. આ ચિંતાના કારણે તેણે ૦૭-૧૧-૨૦૨૧ના રોજ બપોરે ૩.૩૦ કલાકે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હતું. યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એમ.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.