બોમ્બે હાઈકોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પરિવારને મોટી રાહત આપી છે, જે નકલી પ્રમાણપત્ર સાથે નોકરી મેળવીને ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં, વાનખેડેના પિતાની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે નવાબ મલિક અને તેમના પરિવારને વાનખેડેના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કંઈપણ શેર ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, વાનખેડેના પરિવાર વિરુદ્ધ કોઈપણ પ્રકારે નિવેદનબાજી કરવામાં આવશે નહીં.
નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે અને તેના પરિવાર પર ઘણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ જોતા સમીરના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી. હવે બોમ્બે હાઈકોર્ટે આ જ કેસની સુનાવણી કરતા નવાબ મલિકને ઝટકો આપ્યો છે. આ સૂચના બાદ નવાબ મલિક હવે સમીર વાનખેડેના પરિવાર પર કોઈ નિવેદનબાજી કરી શકશે નહીં.
વાનખેડેના પિતા જ્ઞાનદેવે આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટમાં મલિક વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં અન્ય બાબતોની સાથે મંત્રીને તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક નિવેદનો પોસ્ટ કરવાથી રોકવાની વિનંતી કરવામાં આવી હતી. જ્ઞાનદેવ વાનખેડેએ ૧.૨૫ કરોડ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે. ૨૨ નવેમ્બરે, કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી. વાનખેડેની અરજી પર કોર્ટે કહ્યું હતું કે પ્રતિવાદી (નવાબ મલિક)ને રાઈટ ટુ સ્પીચનો અધિકાર છે.