નવસારી જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને થતી કથિત હેરાનગતિનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં જલાલપોર તાલુકામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષિકા શીતલબેન પટેલને તેમના દીકરાના લગ્નના દિવસે પણ એસઆઇઆર (સ્વૈચ્છિક માહિતી રજૂઆત)ના ફોર્મ ભરવાની કામગીરી માટે બોલાવવામાં આવ્યા હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ શિક્ષક આલમમાં અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.
પરિવાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મુજબ, બીએલઓ શીતલબેન પટેલના ઘરે દીકરાના લગ્નનો શુભ પ્રસંગ હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને ફરજ પર હાજર રહેવા અને એસઆઇઆરના ફોર્મ જમા કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, એક માતા માટે તેના દીકરાના લગ્ન જીવનનો સૌથી મોટો પ્રસંગ હોય છે, તેમ છતાં અધિકારીઓએ તેમને આ મહત્વપૂર્ણ દિવસ માટે પણ રજા ન આપીને તેમની માનસિક હેરાનગતિ કરી છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, લગ્નમાં દીકરાની જાન નીકળે એ પહેલાં જ તેમને ફોર્મ જમા કરાવવા માટે જલાલપોર તાલુકા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રકારના દબાણ અને વલણથી શિક્ષિકા સતત માનસિક તાણ અનુભવી રહ્યા હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર,બીએલઓ શીતલબેન દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં ન આવતાં તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. શિક્ષિકાએ અરજીમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ કારણો સર તેમજ બીએલઓની અન્ય કામગીરીના કારણે ફોર્મ ભરવાની કામગીરીમાં વિલંબ થયો હતો. જાકે, આ અરજને સંબંધિત અધિકારીઓએ આંખઆડા કાન કરી દીધા હતા અને તેમને હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. સતત માનસિક હેરાનગતિના કારણે શિક્ષિકા શીતલબેને પોતાનું દુઃખ ઠાલવ્યું હતું, પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ નક્કર રાહત આપવામાં આવી ન હતી.આ સમગ્ર માનસિક તણાવ અને દબાણના કારણે શિક્ષિકા શીતલબેન પટેલની તબિયત અચાનક બગડી હતી. તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ધોરણે નવસારીની એક ખાનગી હોસ્પીટ્લલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ બીએલઓની કામગીરી કરતા અન્ય શિક્ષકોની વ્યથાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.
બીજી તરફ, આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓએ પરિવાર દ્વારા કરવામાં આવેલા હેરાનગતિના આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. અધિકારીઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષિકાના પરિવારમાં દીકરાના લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને તેમને રજા આપવામાં આવી હતી. જાકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે શીતલબેને ૬૦૦ જેટલા ફોર્મ જમા કરાવ્યા ન હોવાથી તેમને માત્ર ફોન કરીને આ કામગીરી પૂર્ણ કરવા માટે જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ દાવો કર્યો છે કે નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે અને કોઈને પણ અંગત રીતે હેરાન કરવામાં આવ્યા નથી.









































