જમાલપોર વિસ્તારમાં સિલ્વર સ્ટોન બંગ્લોઝમાં રહેતી ૨૮ વર્ષીય ખેવના નાયકે તેની બે પુત્રીઓ સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિ હાર્દિક નાયક સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજ ધારા હેઠળ ગુનો નોંધાયો છે.

ગત ૩૦મી ઓગસ્ટની સાંજે ૫ઃ૩૦ વાગ્યે ખેવના તેની ૪ વર્ષીય પુત્રી દીયા અને અઢી વર્ષની પુત્રી દ્રીજા સાથે ઘરેથી નીકળી હતી. ૧લી ઓગસ્ટે વિરાવળ અને સંતોષી માતાના મંદિર પાછળથી બંને બાળકીઓની લાશ મળી આવી હતી. બીજી ઓગસ્ટે કરાડી ગામથી ખેવનાની લાશ પણ મળી આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧લી ઓગસ્ટે વિરાવળ અને સંતોષી માતાના મંદિર પાસે બાળકીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ખેવનાનું મૃતદેહ ૨ ઓગસ્ટના રોજ કરાડી ગામની નજીકથી મળી આવ્યો હતો.

મૃતક ખેવનાની માતા વર્ષાબેન દેસાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પતિ હાર્દિક નાયક સામે  આઇપીસી કલમ ૩૦૬ (આપઘાત માટે ઉકસાવવું), ૪૯૮છ (પતિ અથવા સાસરીયાં તરફથી યાતના) તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘરકંકાસ અને અન્ય બાબતોને લઈ પરિણીતાએ બે બાળકી સાથે આપઘાત કરી લીધો હતો.ઘટના બાદ મૃતક ખેવનાનો પતિ હાર્દિક નાયક ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ભારે જહેમત બાદ આખરે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.

ફરિયાદ અનુસાર, હાર્દિક નાયક વારંવાર દારૂના નશામાં રહેતો હતો અને પીયર પક્ષની જમીન વેચવા દબાણ કરતો હતો. તેમજ, બે પુત્રીઓના જન્મ બાદ પુત્રની માંગણી કરીને ખેવનાને શારીરિક અને માનસિક રીતે યાતના આપતો હતો. આ ત્રાસથી કંટાળીને ખેવનાએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે, મૃતક ખેવના અને આરોપી હાર્દિકે ૨૦૨૨માં પ્રેમ લગ્ન કર્યા હતાં અને આ લગ્નજીવન દરમિયાન તેઓ બે દિકરીઓના માતા-પિતા બન્યા હતા.નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇએચ.આર.બારોટના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અનાવિલ સમાજમાં આરોપીનો બહિષ્કાર કરવાની ચર્ચા પણ તેજ બની છે.