રક્ષાબંધન, એટલે ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર, જેને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારના આગમન સાથે નવસારીમાં રાખડી બજારની રોનક વધે છે, જેની સાથે ઘણા લોકોને રોજગારીની તકો મળે છે. આ બજારમાં મીઠાઈ, કપડાં અને ખાસ કરીને રાખડીઓનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. નવસારીમાં દર વર્ષે અલગ-અલગ સ્થળોએ રાખડી બજારનું આયોજન થાય છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
નવસારીના સેન્ટ્રલ બજાર મોલ ખાતે આ વર્ષે શનિવાર અને રવિવાર (૧૨ જુલાઈ) બે દિવસ માટે રાખડી બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજાર સવારે ૧૦ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અહીં ૫૦૦થી વધુ વેરાયટીની રાખડીઓ ઉપરાંત કપડાં અને રક્ષાબંધન સંબંધિત અન્ય વસ્તુઓ મળશે.
રાખડીઓની કિંમત ૨૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની રેન્જમાં હશે. આ એક્ઝીબિશનનું આયોજન કરનાર પીનલબેન જણાવે છે કે, “આ બજારનો હેતુ ઘરે રાખડી બનાવતી મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાનો છે, જેથી તેઓ પોતાની રાખડીઓનું વેચાણ કરી ગુજરાન ચલાવી શકે અને તહેવારની ઉજવણી હર્ષોલ્લાસથી કરી શકે.”
નવસારીના દરજી પંચની વાડી, ટાટા હોલ પાસે ૧૭ અને ૧૮ જુલાઈએ બીજું રાખડી બજાર અને ફેસ્ટીવલનું આયોજન થશે. આ બજારમાં ૪૫થી વધુ વેરાયટીની રાખડીઓ, ચણિયાચોળી, ડ્રેસ મટિરિયલ, કુર્તી, જ્વેલરી, બાળકોના કપડાં અને અન્ય વસ્તુઓ ઉપલબ્ધ હશે. આ ફેસ્ટીવલ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખડીને ખરીદીની તક પૂરી પાડશે, જેમાં લોકો વિવિધ ડિઝાઇન અને વેરાયટીની ખરીદીનો આનંદ માણી શકશે.
રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ તે અનેક લોકો માટે રોજગારીની તકો પણ લાવે છે. નવસારીના આ રાખડી બજારો ઘરે રાખડી બનાવનાર મહિલાઓ અને નાના વેપારીઓને વેચાણનું પ્લેટફોર્મ આપે છે, જેનાથી તેઓ આર્થિક રીતે સશક્ત બને છે. આ બજારો તહેવારની ઉજવણીને વધુ રંગીન બનાવે છે અને લોકોને એક જ સ્થળે ખરીદીની સુવિધા પૂરી પાડે છે.






































