ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાત્રેથી સવાર સુધી ભૂકંપના ૬ આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો છે. રાત્રે ૧૨ : ૫૪ વાગ્યાથી સવારે ૧૦ઃ૧૭ વાગ્યા સુધી આ આંચકાઓ આવ્યા હતા, જેમાં સૌથી વધુ તીવ્રતા ૨.૮ની નોંધાઈ છે. આ આંચકાઓ હળવા હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલ સુધીમાં તો સામે આવી નથી, પરંતુ વાંસદા અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાતા લોકો ભયભીત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ આંચકાઓ વાંસદા તાલુકાના મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં અનુભવાયા છે. મધરાત્રે લોકો ઊંઘમાં હતા, ત્યારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ ભૂકંપના પ્રથમ આંચકાથી વાંસદાની ધરા ધ્રૂજી ઊઠી હતી. જેના કારણે લોકોએ પોતાના પરિવારોને જગાડીને ઘરોની બહાર દોડ્યા હતા, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ભયભીત થયા હતા.બાદમાં અડધી કલાકના સમયે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો અને સવારે વહેલી સવારથી ૧૦.૩૦ વાગ્યા સુધીમાં વધુ ૪ આંચકા અનુભવાયા છે. જાકે આ આંચકાઓ હળવા હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલ સુધીમાં તો સામે આવી નથી. ત્યારે સ્થાનિક તંત્રએ પણ આ બાબતની નોંધ લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
રાત્રે ૧૨.૫૪ વાગ્યાથી સવારે ૧૦.૧૭ વાગ્યા સુધી ભૂકંપના ૬ આંચકા અનુભવાયા
રાત્રે ૧૨.૫૪ વાગ્યે ૨.૧ ની તીવ્રતા
રાત્રે ૧.૧૩ વાગ્યે ૨.૩ ની તીવ્રતા
સવારે ૭.૩૪ વાગ્યે ૨.૮ ની તીવ્રતા
સવારે ૯.૨૬ વાગ્યે ૨.૬ ની તીવ્રતા
સવારે ૯.૫૯ વાગ્યે ૨.૨ ની તીવ્રતા
સવારે ૧૦.૧૭ વાગ્યે ૧.૫ ની તીવ્રતા
નોંધનીય છે કે, આ તરફ એશિયાના દક્ષિણ ભાગમાં સ્થિત ફિલિપાઇન્સ દેશમાં પણ આજે (શુક્રવારે) ૭.૬ તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશના દાવાઓ ઓરિએન્ટલ પ્રાંતમાં ધરતી ફરી ધ્રુજી ઊઠી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારે ફિલિપાઇન્સમાં હાલ ભૂકંપ સાથે સાથે હવે સુનામી અંગે પણ ચેતવણી જાહેર કરાઈ છે.










































