સુરતનો માથાભારે અને વોન્ટેડ આરોપી સલમાન લસ્સી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરવા જતાં સલમાન લસ્સીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ફાયરિંગમાં સલમાન લસ્સીના પગના ભાગે ગોળી વાગતાં તેને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચની એક મોટી ટીમ (લગભગ ૨૫ થી ૩૦ પોલીસ જવાનો) ગુપ્ત બાતમીના આધારે વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે નવસારીના મરોલી ખાતે પહોંચી હતી. સલમાન લસ્સી આ જગ્યાએ પાછળની રૂમમાં સૂતો હતો, જ્યારે આગળની રૂમમાં તેનો પરિવાર હતો. જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી, ત્યારે ૧૫ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ પકડાઈ જવાના ડરથી પોલીસ ટીમ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસ પર હુમલો થતાં ટીમને અનિચ્છનીય સંજાગોમાં સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ગોળી સીધી સલમાન લસ્સીના પગના ભાગે વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો.સલમાન લસ્સી સુરતના ડીંડોલી, લિબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ભારે આતંક મચાવવા માટે જાણીતો છે. તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી (એક્સટોર્શન) સહિતના ૧૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને તે સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા એક હત્યાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. હાલમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા સલમાન લસ્સીને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.