સાસુ-વહુના વચ્ચે મીઠાસભર્યાં સંબંધો હોય તેવું બહુ ઓછું બનતું હોય છે. સાસુ-વહુના ઝઘડા છાપે ચઢવાના પણ દાખલા બનતા રહે છે. એટલે કે સુધી કે સાસુ અને વહુ વચ્ચેની તાણાખેંચ ઉપર તો અનેક ટીવી ધારાવાહિકો પણ બની ચૂકી છે. જાકે, નવસારીમાં સાસુ-વહુના સંબંધનો એક એવો દાખલો સામે આવ્યો છે, જેણે સમાજને નવી જ રાહ ચીંધી છે. હકીકતમાં અહીં એક મહિલાએ પોતાના દીકરાના અવસાન બાદ તેની વિધવા પુત્રવધૂના ફરીથી લગ્ન કરાવી આપી નવી રાહ ચીંધી છે. સાથે જ એવો સંદેશ આપ્યો છે કે વહુને વહુ નહીં પરંતુ દીકરી માનશો તો અનેક મુશ્કેલી દૂર થઈ જશે.
સામાન્ય કિસ્સામાં પતિના નિધન બાદ પત્ની કાં તો પોતાના સાસરિયામાં વિધવા તરીકે પોતાની જિંદગી ગુજારતી હોય છે અથવા તેના પિયરમાં રહેતી હોય છે. અનેક યુવતીઓ વિધવા તરીકે જ પોતાની જિંદગી પુરી કરી નાખે છે તો અમુક કિસ્સામાં પિયરના લોકો ફરીથી લગ્ન કરાવી આપે છે. જાકે, નવસારીના કેસમાં તો ખુદ સાસરિયાઓએ પોતાની વિધવા પુત્રવધૂના લગ્ન કરાવી આપ્યા હતા અને એવો સંદેશ આપ્યો છે કે વિધવા પુત્રવધૂને ઘરમાં બેસાડી રાખવાનું યોગ્ય નથી, પરંતુ તેને પણ પોતાની બાકીની જિંદગી ખુશીથી જીવવાનો અધિકાર છે.
મળતી માહિતી પ્રમાણે નવસારી ખાતે રહેતા જયાબેન ગાંધીના દીકરાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. પુત્રના નિધન બાદ તેની પત્ની સ્વિટી વિધવા તરીકે જીવન ગુજારતી હતી. લગ્ન સંબંધથી એક દીકરાનો જન્મ પણ થયો હતો. આ દીકરાની ઉંમર હાલ ૧૨ વર્ષ છે. લગ્ન બાદ સ્વિટીએ પોતાના પિયર જવાને બદલે પોતાની સાસરીમાં જ રહીને સાસુ-સસરાની સેવા કરવાનું નક્કી કર્યું હતું.
પતિના નિધન બાદ જયાબેને પોતાની વિધવા પુત્રવધૂને દીકરીની જેમ જ રાખી હતી. જાકે, એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે મારી દીકરી (પુત્રવધૂ)ને ઘરે બેસાડવા કરતા જા તેના લગ્ન કરી દેવામાં આવે તો તેણી પોતાની બાકીની જિંદગી સારી રીતે વિતાવી શકે છે. આ વિચાર બાદ જયાબેને પોતાની પુત્રવધૂ માટે મુરતિયાની શોધખોળ શરૂ કરી હતી.
મુરતિયાની શોધખોળ દરમિયાન જયાબેનની આંખ સુરતના દિવ્યેશ નામના યુવાન પર ઠરી હતી. જે બાદમાં દિવ્યેશ અને સ્વિટીની વાતચીત કરાવવામાં આવી હતી. બંનેએ લગ્ન માટે હા પાડતા જયાબેને
પોતાની પુત્રવધૂના લગ્ન કરાવી આપ્યા હતા. નવસારીના વિષ્ણુ મંદિર ખાતે આ લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. એવી માહિતી મળી છે કે દિવ્યેશના માતાપિતાનું કોરોનાથી નિધન થયું છે. દિવ્યેશ સારી જગ્યાએ નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે. લગ્ન સમારંભ દરમિયાન પરિવારના નજીકના લોકો હાજર રહ્યા હતા.
આ રીતે નવસારીના જયાબેને સમાજને એક નવું જ ઉદાહરણ પૂરું પાડીને સંદેશ આપ્યો છે કે વિધવા પુત્રવધૂને ઘરમાં બેસાડી રાખવા માટે નથી. તેને પણ પોતાની બાકીની જિંદગી ખુશીથી પસાર કરવાનો અધિકાર છે. જા સમાજ જયાબેનના વિચાર સાથે સહમત થાય તો અનેક વિધવા દીકરીઓની જિંદગીમાં ખુશી પરત ફરી શકે છે.