જિલ્લાના રાનકુવા સર્કલ પાસે પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી સ્ટાઈલના દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે દારૂની હેરાફેરી કરતી હ્યુન્ડાઈ ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરોએ બેફામ ડ્રાઈવિંગ કરીને કારને બ્લોક કરવા છતાં બે મોટા વાહનો સાથે અથડાવીને નાસી છૂટ્યા હતા.પોલીસને બાતમી મળી હતી કે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. રાનકુવા સર્કલ નજીક પોલીસે કારને બ્લોક કરી હતી. જાકે, કારમાં સવાર બુટલેગરોએ અચાનક પૂરપાટ ઝડપ વધારીને બે મોટા વાહનો સાથે અથડાવી દીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન રસ્તા પર દિલધડક દૃશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.બુટલેગરો કાર છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલી ક્રેટા કારને કબજે લઈ તપાસ કરતાં તેમાંથી સાડા ચાર  લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર થયેલા અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલ પર સવાલો ઉભા કર્યા છે. પોલીસની સતર્કતાને કારણે મોટો જથ્થો જપ્ત થયો છે.