1) સરસ્વતી:

“ના ના બાબા ના. હવે ભણીને શું કરશે? કોલેજ પતી ગઈ છે. એટલું તો ઘણું. હવે બસ તમારા ઘરમાં સેટ થઈ જાય એટલે માતાજીની દયા. લો બિસ્કિટ લો ને.” આશાબેને પોતાની દીકરી સ્વેતાને જોવા આવેલા છોકરાવાળા સામે નાસ્તાની ડિશ ધરતાં કહ્યું. સ્વેતાએ છોકરા સામે ખોટી-ખોટી સ્માઈલ આપી અને હૉલમાં રહેલો સરસ્વતીમાતાનાં ફોટા તરફ નજર નાખી.

2) લક્ષ્મી:

ધનશ્રી આજે ખુબ ચિંતામાં હતી. સાંજે આરવ ઘરે આવશે ત્યારે શું કહીને પૈસા માગશે? એ ચિંતા કોરી ખાતી હતી. એવું નહોતું કે પોતે કમાતી નહોતી. તેનું હમણાં જ ચાલુ કરેલું બ્યુટીપાર્લર સારું એવું ચાલતું હતું પણ તેમાંથી ધનશ્રી એક પૈસો પણ પોતાની રીતે નહોતી વાપરી શકતી. એટલામાં આરવ ઓફિસેથી આવ્યો. ધનશ્રીએ ખૂબ પ્રેમથી ચા-પાણી આપ્યા અને પછી પુછ્યું, “કાલે મમ્મી-પપ્પાની એનિવર્સરી છે તો ગિફ્ટ લેવા માટે પૈસા…”

“પૈસા..પૈસા..પૈસા..તારે કાયમ પૈસા જ જોતાં હોય છે. પહેલાં તને આ મહિનાનો ટાર્ગેટ પુરો કર્યો તે? મહિનાનાં એન્ડ સુધીમાં તારે 5000 કમાવાના હતાં.  ટાર્ગેટ પૂરો થશે પછી પૈસા મળશે.” આરવે ધનશ્રીનાં હાથમાં કપ પકડાવી દીધો.

3) કાલી:

“અરે વહુ બેટા, આપણે સોસાયટીની પાર્ટીમાં જઈએ છે. થોડું મેકઅપ બેકઅપ કરી લો. સાવ આમ કાળું મોઢું લઈને જઈશ તો શું કહેશે પાડોશીઓ?” પરી જી મમ્મીજી કહીને કમને પોતાનાં રૂમમાં મેકઅપથી ગોરી થવા ગઈ.

“ખબર નહિ કઈ મનહુસ ઘડીમાં આ કાળીને મારો દીકરો પસંદ કરી આવ્યો? હવે મેકઅપ પછી કંઈક ઠીક લાગે તો સારું. હે માતાજી પાડોશીઓ સામે લાજ રાખજે.” સાસુમા મંદિર બાજુ જોઈને મનમાં જ બબડયા.

4) ગંગા:

“…ગંગા સ્વરૂપ માતાજી શંકર ભગવાનની જટામાંથી નીકળ્યા અને ધરા પર નદી સ્વરૂપે વહેવા લાગ્યા. બોલો ગંગા માત કી જય… સ્ત્રી પણ ગંગાનું સ્વરૂપ છે તે જ્યાં ચાહે જેમ ચાહે તેમ વહી શકે છે. કોઈનામાં તાકાત નથી કે તેને કોઈ રોકી શકે. ફિર સે બોલો ગંગા મૈયા કી જય..” સરોજબા પણ હાથમાં માળા સાથે જ હાથ ઊંચા કરી જય બોલ્યા. પછી ટી.વી. પર ચાલતી કથા બંધ કરી. પોતાની કામવાળી ગંગાને બોલાવી.

“ગંગા હમણાં હું રોજ જોઉં છું તું કામમાં સાવ ડાટ વાળે છે. આમ નેમ ચાલશે તો મને તને કાઢી મુકતાં વાર નહિ લાગે. કાલે 9 વાગ્યાનું કહ્યું હતું ને સવા 9 એ કેમ આવી હતી?…” સરોજબાની કથા ચાલુ થઈ ગઈ. અને ગંગા હમણાં થોડીવાર પહેલાં ટી.વી. પર ચાલતી કથાનાં શબ્દો યાદ કરી રહી.

5) અન્નપૂર્ણા:

“અનુ મારી ગરમ પુરણપોળી ક્યારે ઉતરશે હવે? ફુલ ભુખ લાગી છે” અનુનાં પતિ અજીતે ઓફિસેથી આવીને સીધો ઓર્ડર આપ્યો.

“અનુ મારી કિર્તનની ચોપડી ક્યાં મુકી દીધી તે?” પુરણપોળી બાને તો ભાવે નહિ એટલે કઢી-ખીચડી અનુએ પહેલાં જ બનાવી રાખેલાં એ જમીને બાએ  કીર્તન કરવા માટે ચોપડી માંગી.

“મમ્મી મારે આજે બહુ જ હોમવર્ક છે જલ્દી ફ્રી થઈને મને કરાવજે હો. રસોડામાં બેઠી ન રહેતી.” દસ વર્ષનો રુદ્ર બોલ્યો.

અનુ ફટાફટ બધાની ફરમાઈશ પુરી કરીને એક-બે કોળ્યા જમીને દીકરાને લેશન કરાવવા પહોંચી ગઈ.